સોમનાથ મુકામે તારીખ ૧૯ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ૬૯મી ઓલ ઇન્ડિયા અંડર-૧૭ બહેનોની નેશનલ કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની DLSS ખેલાડીઓએ ગુજરાત રાજય તરફથી ભાગ લઈ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. દેશભરના અલગ-અલગ રાજ્યોની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમો વચ્ચે યોજાયેલ આ સ્પર્ધામાં ટીમે ફાઇનલ સુધીની સફર સફળ બનાવી સુવર્ણ પદક મેળવી ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં અમરેલી જિલ્લાના ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્પોટ્‌ર્સ સ્કૂલ (DLSS)ની બે પ્રતિભાશાળી ખેલાડીઓ હિરલ લાલજીભાઈ બલદાણીયા અને નિધી દિનેશભાઈ બારૈયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ અભિનંદન પાઠવ્યા હતા.