સુરેન્દ્રનગર જિલ્લામાં ડોલરની છેતરપિંડી આચરનારનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ થયેલી રૂપિયા ૧૦ લાખની છેતરપિંડીનો અનડિટેક્ટેડ ગુનો સુરેન્દ્રનગર એલસીબી ટીમે ઉકેલી કાઢતા પોલીસે ત્રણ શાતિર આરોપીઓને જેલભેગા કર્યા છે. આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલ રૂ.૨ લાખ ૭૨ હજાર રોકડ પણ કબજે કરવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, એલસીબીને બાતમી મળી હતી કે કેટલાક લોકો સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરે છે. આ બાતમીને આધારે પોલીસ અધિકારીઓએ હરેશ શેખલીયા, રાજુ સાથળિયા અને સુરેશ શેખલીયા નામના ૩ મુખ્ય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેતરપિંડીની રજૂઆત મુજબ, આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા ડોલરનું પેકેટ બતાવતા અને સસ્તા રેટે આપવાની વાત કરતા, બાદમાં રૂપિયા મેળવી પલાયન થઈ જતા હતા.







































