સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં બે હત્યાની ઘટનાઓ બનતા ભયનો માહોલ સર્જાયો છે. ફુલગ્રામ ગામની ઘટના બાદ હવે લીંબડીમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.
લીંબડી ખાતે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય દીપકભાઈ સોલંકી પોતાના મામાની દીકરીના લગ્ન પ્રસંગે આવ્યા હતા. જમણવાર પૂર્ણ કર્યા બાદ તેઓ ગામમાં ફરી રહ્યા હતા, ત્યારે અમન ચાવડા નામના યુવકે તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં દીપકભાઈના ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
આસપાસના લોકો દ્વારા તેમને તરત જ લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ હાલત ગંભીર હોવાથી તેમને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ તેમજ ડીવાયએસપી વિશાલ રબારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી અમન ચાવડાની અટકાયત કરી છે અને તેના સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા જણાવવામાં આવ્યું કે, “હત્યા કરનાર અમન ચાવડાની અટકાયત કરવામાં આવી છે, કેમ હત્યા કરવામાં આવી છે તે દિશામાં પણ પૂછપરછ ચાલુ છે. લીંબડી પીઆઇને સ્પેશિયલ તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદના યુવકનું હત્યામાં મોત નીપજ્યું છે, પરિવારને પણ પોલીસ વિભાગ દ્વારા સંતવાના પાઠવવામાં આવી છે. કડક પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે. હાલના તબક્કામાં મેડિકલ કોલેજ ખાતેથી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો છે, પીએમ શરૂ કરાવવામાં આવ્યું છે. ફરિયાદ દાખલ કરવા અંગેની તજવીજ પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.”
પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને ખુશીના લગ્ન પ્રસંગે માતમ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.