સુરત શહેરમાં સાપના ઝેરના ગેરકાયદે કારોબારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સુરત એસ.ઓ.જી. અને લસકાણા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગુજરાતમાં પ્રથમ વખત કરોડોની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું છે. પોલીસે અંદાજે ૬.૫ મિલી લીટર કોબ્રા વેનમ જપ્ત કર્યું છે, જેની આતરરાષ્ટીય બજારમાં કિંમત લગભગ ૫.૮૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે કુલ ૭ આરોપીની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ખતરનાક ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની પેરવી ચાલી રહી હતી. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ ઝેરનું નેટવર્ક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાપના ઝેરનો ઉપયોગ કાયદેસર રીતે દવાઓ બનાવવા માટે થાય છે, જેમ કે બ્લડપ્રેશર, લોહી ગંઠાવાની બીમારી અને હાર્ટ એટેકથી બચાવતી દવાઓ. જાકે છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપના ઝેરનો ગેરકાયદે ઉપયોગ વધી રહ્યો છે, જે કાયદા અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહ્યો છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરતના ૨ અને વડોદરાના ૫ શખસનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ આ મુજબ છે. મનસુખ ઘીનૈયા (ઉ. ૬૭), .ચીમન ભુવા (ઉ. ૬૦), સમીર પંચાલ (ઉ. ૪૧), પ્રવીણ શાહ (ઉ. ૭૪), કેતન શાહ (ઉ. ૫૦), મકરંદ કુલકર્ણી (ઉ. ૫૪), પ્રશાંત શાહ (ઉ. ૪૦)
પોલીસ તપાસ મુજબ આ ટોળકી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા મનસુખ ઘીનૈયાના સંપર્કમાં હતી. અહીં કોબ્રા વેનમનો સોદો ૯ કરોડ રૂપિયામાં ફાઈનલ થયો હતો. દરેક આરોપી માટે અલગ-અલગ કમિશન નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સોદો પૂરું થાય તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા.
આ કેસમાં અમદાવાદ આરટીઓ સર્કલ પાસે રહેતા ઘનશ્યામ સોની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તેણે વડોદરાના પ્રશાંત અને મકરંદને આ કોબ્રા વેનમ ઝેર વેચવા માટે આપ્યું હતું. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તેની ધરપકડ થયા બાદ જ આ ઝેર ક્યાંથી અને કઈ ગેંગ મારફતે લાવવામાં આવ્યું હતું, તેનો ખુલાસો થવાની શક્્યતા છે.
આ સમગ્ર મામલે હવે ફોરેસ્ટ વિભાગને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૭૨ તેમજ અન્ય કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એસ.ઓ.જી.ના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, “આ વેનમ પ્રતિબંધિત છે અને આતરરાષ્ટી બજારમાં તેની કિંમત પ્રતિ મિલી આશરે ૯૦ લાખ રૂપિયા ગણાય છે. તેનો ઉપયોગ દવાઓ ઉપરાંત કેટલીક રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ થતો હોવાનું સામે આવ્યું છે. આ બાબત ખૂબ જ ગંભીર છે.”
ગુજરાતમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં અને આટલી ઊંચી કિંમતનું કોબ્રા વેનમ ઝડપાતા વન્યજીવ સુરક્ષા, ડ્રગ્સ નેટવર્ક અને આંતરરાજ્ય કાળા કારોબાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ કાળા કારોબાર સાથે જાડાયેલી અન્ય કડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.






































