સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા, આગમાં લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વીડિયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારની ૩૩ વર્ષીય પ્રતિમાદેવીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ સુરતના ઈચ્છાપોરમાં રહેતા રંજિત દિલીપ સાથે થયા હતા. લગ્ન બાદથી જ રંજિત નાની-નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમાદેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે બાળકોને સ્કૂલમાં નહીં મોકલવાના મુદ્દે રંજીત ધમકાવતો હોવાથી પતિ પત્ની બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે પ્રતિમાદેવીએ કંટાળીને મરી જવાની વાત કરી, ત્યારે રંજિતે તેને શાંત પાડવાને બદલે “ઘરમાં તેલ છે જ સળગી જા.. એવું કહીને તેને ઉશ્કેરી હતી.
પતિની ઉશ્કેરણીથી આવેશમાં આવી પ્રતિમાદેવીએ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધી હતી. જ્યારે પત્ની મદદ માટે ચીસો પાડી રહી હતી અને આગમાં ઘેરાયેલી હતી, ત્યારે રંજિતે આગ ઓલવવાનો કોઈ પ્રયાસ કર્યો નહતો અને પોતાના મોબાઈલ ફોનથી પત્નીની સળગતી હાલતનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ (રહે. ઘર નં. એમ/૩૦, જયરાજ સોસાયટી, ઈચ્છાપોર બસ સ્ટેન્ડ-૩) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબજે લીધો છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, વીડિયો-ક્લિપ તથા સાક્ષીઓનાં નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ઇચ્છાપોર પોલીસે રંજિત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલાએ ૪ જાન્યુઆરીએ પોતાના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને ૧૧ જાન્યુઆરીએ મહિલાનું મૃત્યુ થતા તપાસમાં એવી હકીકત જણાઈ આવી હતી કે, મહિલા જ્યારે સળગતી હતી ત્યારે તેમના પતિએ તેઓને બચાવવાની જગ્યાએ આ સમગ્ર ઘટનાનો પોતાની પત્ની સળગતી હતી તેનો વીડિયો બનાવ્યો છે અને સમયસર તેને પાણી નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો નહતો.