સુરતના પાલ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિવિધ દેશોના વિઝા અપાવવાના બહાને નિર્દોષ લોકો પાસેથી અંદાજે ૨.૧૩ કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પાલ પોલીસે સઘન તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર એવા ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી લીધી છે. વિદેશ જવાની ઘેલછામાં ફસાયેલા અનેક લોકો આ આંતરરાષ્ટ્રીય સ્તરના વિઝા કૌભાંડનો શિકાર બન્યા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી વરુણ રાજુભાઈ પરમાર “મહાકાલ ટ્રાવેલ ટ્રેલ્સ” નામની એજન્સી ચલાવતો હતો. આ એજન્ટ વરુણ પરમારે કુલ ૧૩ જેટલા ક્લાયન્ટોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે લોકોને ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ વિઝા અને કેનેડાના પરમિટ વિઝા ખૂબ જ સરળતાથી અપાવી દેવાની લાલચ આપી હતી. ભોગ બનનારા લોકોએ વિદેશ જવાની ઉતાવળમાં એજન્ટની વાતોમાં આવીને લાખોની રકમ ચૂકવી દીધી હતી.
આરોપી એજન્ટ વરુણ પરમારે ૧૩ વ્યક્તિઓ પાસેથી અલગ-અલગ સમયે કુલ ૨.૧૩ કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હતી. નાણાં મેળવી લીધા બાદ લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતા ક્લાયન્ટોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. છેવટે ભોગ બનનારાઓએ ન્યાય માટે પાલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી, જે દરમિયાન લાંબા સમયથી નાસતા-ફરતા આરોપી વરુણને દબોચી લેવામાં સફળતા મળી છે.
સુરત પોલીસ અત્યારે આરોપી વરુણ પરમારની કડક પૂછપરછ કરી રહી છે કે તેણે આટલી મોટી રકમ ક્યાં છુપાવી છે અથવા ક્યાં રોકાણ કર્યું છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે કોઈપણ ટ્રાવેલ એજન્ટને નાણાં આપતા પહેલા તેની અધિકૃતતા અને રેકોર્ડની ચકાસણી અચૂક કરવી જાઈએ. સાયબર યુગમાં વધતા જતા વિઝા ફ્રોડના કિસ્સાઓ વચ્ચે સાવચેતી એ જ ઉત્તમ સુરક્ષા છે.