સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ રસી સંબંધિત ગંભીર આડઅસરોના કેસ અંગે કેન્દ્ર સરકારને એક મોટો નિર્દેશ જારી કર્યો છે. કોર્ટે સરકારને એવી નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે જે કોવિડ રસી લીધા પછી ગંભીર નુકસાન પહોંચાડનારા વ્યકિતઓને કોઈ દોષ વિના વળતર આપે.
જસ્ટસ વિક્રમ નાથ અને જસ્તીસ સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે હાલ પૂરતું, રસીકરણ પછી પ્રતિકૂળ અસરો પર દેખરેખ રાખવા માટેની હાલની સિસ્ટમ ચાલુ રહેશે. આ માટે કોર્ટ દ્વારા નિયુક્ત નવી નિષ્ણાત પેનલની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જા કોઈ વ્યકિતને રસીને કારણે નુકસાન થયું હોય, તો તેઓ કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય કાનૂની માર્ગોનો પણ ઉપયોગ કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે નો-ફોલ્ટ વળતર નીતિ લાગુ કરવી એ સરકારની ભૂલ કે જવાબદારી સ્વીકારવા સમાન નથી.
ખરેખર, કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એક અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ૨૦૨૧ માં કોવિશિલ્ડ રસીનો પહેલો ડોઝ લીધા પછી બે મહિલાઓનું મૃત્યુ થયું હતું. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રસીકરણ પછી બંનેને ગંભીર આડઅસર થઈ હતી. આ અરજીઓની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વળતર સંબંધિત નવી નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.









































