ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આલિદ્રા મુકામે આશરે રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે મંજૂર થયેલ નવા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની વર્ષોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલ આ વિકાસકાર્યથી આસપાસના વિસ્તારોના નાગરિકોને આવાગમનમાં મોટી રાહત મળશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, તાલાલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકેશભાઈ દોમડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસના કાર્યોની લહાણી કરી છે.







































