એક કવિએ વ્યંગમાં લખ્યું છેઃ “સુખદુઃખના સરનામાં ના હોય સાહેબ,અહીંતો આપણા મળે એ સુખ અને છુટા પડે એ દુઃખ, લાગણીઓ સચવાય એ સુખ અને દુઃખ.”
જીવન એક લાંબી યાત્રા છે. આ યાત્રામાં આપણે ઘણી જગ્યોએ રોકાઈએ છીએ. ક્યારેક સુખના સરનામે પહોંચી જઈએ છીએ તો ક્યારેક દુઃખના દરવાજે ઊભા રહી જઈએ છીએ. જીવનના માર્ગ પર ચાલતા દરેક માણસે એક પ્રશ્ન જરૂર પૂછ્યો હશે કે સુખ ક્યાં મળે છે? અને દુઃખ કેમ પાછળ પડે છે? માણસ આખું જીવન સુખના સરનામાં શોધવામાં પસાર કરી દે છે, પરંતુ ઘણીવાર તેને ખબર જ નથી પડતી કે સુખ અને દુઃખના સાચા સરનામાં તો આપણા પોતાના મનમાં જ વસેલા છે.હકીકતમાં સુખ અને દુઃખ જીવનના બે એવા સરનામાં છે, જ્યાં દરેક માણસને ક્યારેક ને ક્યારેક જવાનું જ હોય છે.સુખ અને દુઃખ જીવનના બે અવિભાજ્ય સાથી છે.સુખ આવે ત્યારે માણસ ગર્વથી ઊંચો થઈ જાય છે અને દુઃખ આવે ત્યારે જીવનની સાચી સમજણ આપી જાય છે.સુખનું સરનામું બહારની ભૌતિક વસ્તુઓમાંનથી,પણ મનની શાંતિ અને સંતોષમાં વસેલું છે.અને દુઃખનું સરનામું પણ કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિમાં નથી,તે તો આપણી અપેક્ષાઓના ભારમાં જન્મે છે.
માણસ મોટાભાગે સુખને બહાર શોધે છે;સંપત્તિમાં, પદમાં, પ્રસિદ્ધિમાં અથવા સંબંધોમાં. પરંતુ સમય વારંવાર સમજાવે છે કે આ બધું હોવા છતાં માણસના મનમાં શાંતિ ન હોય તો સુખનો કોઈ અર્થ રહેતો નથી. સાચું સુખ એ છે કે માણસને પોતાના જીવનથી સંતોષ હોય, પોતાના કર્તવ્યમાં આનંદ હોય અને પોતાના અંતરમાં શાંતિ હોય.
દુઃખનું પણ એક અજાણ્યું સરનામું છે. દુઃખ ઘણીવાર પરિસ્થિતિઓથી ઓછું અને અપેક્ષાઓથી વધારે જન્મે છે. જ્યારે અપેક્ષાઓ વધારે હોય અને વાસ્તવિકતા અલગ હોય ત્યારે મનમાં નિરાશા જન્મે છે. એટલે જ સમજદાર લોકો કહે છે કે અપેક્ષાઓ ઓછી અને પ્રયત્નો વધારે રાખશો તો દુઃખના પગલા આપોઆપ ધીમા પડી જશે.
સુખ આવે ત્યારે માણસને લાગે છે કે હવે જીવનમાં બધું જ મળી ગયું. ઘરમાં હાસ્ય હોય, ચહેરા પર ખુશી હોય અને હૃદયમાં આશા હોય ત્યારે જીવન સુખના સરનામે પહોંચ્યું લાગે છે. પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે સુખ ક્યારેય કાયમ માટે રહેતું નથી. તે થોડા સમય માટે મહેમાન બની આવે છે અને પછી શાંતિથી આગળ વધી જાય છે.
દુઃખનું સરનામું પણ જીવનના માર્ગમાં આવે છે. ઘણીવાર માણસ દુઃખથી ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ દુઃખ જીવનને સમજવાનો અને ઘડવાનો સૌથી મોટો ગુરુ છે. દુઃખ માણસને ધીરજ શીખવે છે, સંઘર્ષ શીખવે છે અને પોતાના તથા પરાયાના સાચા ચહેરા પણ દેખાડે છે.
સુખ અને દુઃખ જીવનના બે અવિભાજ્ય અતિથિ છે. એક આવે ત્યારે માણસ આનંદથી ઝૂમી ઊઠે છે, અને બીજું આવે ત્યારે માણસ વિચારના ગાઢ સાગરમાં ડૂબી જાય છે. જીવનના આ બે રંગ વગર માણસનું અસ્તિત્વ અધૂરું છે. જો જીવનમાં માત્ર સુખ જ હોત તો કદાચ માણસને તેની કિંમત સમજાત નહીં, અને જો માત્ર દુઃખ જ હોત તો જીવન જીવવાની આશા જ બાકી રહેત નહીં.
ઘણા લોકો સુખમાં સાથે રહે છે, પરંતુ દુઃખમાં જે સાથ આપે તે જ સાચા સંબંધોની ઓળખ કરાવે છે.એક કવિઅ ેસરસ લખ્યું છેકે “સુખ દુઃખ નિભાવતા તો માત્ર ફૂલોને આવડ ેછે,લગ્ન હોય કે મરણ સાથ જરૂર આપ્ ોછે.”સાચું કહીએ તો સુખ અને દુઃખ બંને જીવનના શિક્ષક છે. સુખ આપણને આભાર માનવાનું શીખવે છે અને દુઃખ આપણને મજબૂત બનવાનું શીખવે છે. જો માણસ બંનેને સમતાથી સ્વીકારી લે તો જીવનની યાત્રા વધુ સરળ બની શકે.
સમય જીવનનો સૌથી મોટો શિક્ષક છે. સમય આપણને શીખવે છે કે સુખ કાયમ માટે નથી આવતું અને દુઃખ પણ સદાકાળ માટે રહેતું નથી. જીવનના આ ઉતારચઢાવ માણસને પરિપક્વ બનાવે છે. દુઃખ માણસને ધીરજ, સમજણ અને સંવેદનાની ભેટ આપે છે, જ્યારે સુખ માણસને આશા અને ઉર્જા આપે છે.
જીવનમાં જે માણસ સુખમાં વિનમ્ર રહે છે અને દુઃખમાં ધીરજ રાખે છે, તે માણસ સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખી જાય છે. કારણ કે સુખ અને દુઃખ બંને સમયસર આવતાં મહેમાન છે; બંનેને સ્થાન આપવું એ જ જીવનની સમજૂતી છે.સુખ આવે ત્યારે અહંકારનો દ્વાર બંધ રાખજો,દુઃખ આવે ત્યારે આશાનો દીવો જલતો રાખજો.જીવનના રસ્તે બંને સરનામાં લખાયેલા છે,મુસાફર બનીને હસતા હસતા આગળ વધતા રહેજો.સુખના સરનામે જઈને માણસ ઘણીવાર ખોવાઈ જાય છે,દુઃખના સરનામે જઈને જ જીવનનો રસ્તો સમજાઈ જાય છે.જીવનનું સાચુ જ્ઞાન એ છે કે સુખ આવે ત્યારે નમ્રતા રાખવી અને દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી.
અંતમાં વાત એટલી જ છે કે સુખ અને દુઃખના સરનામાં બહાર ક્યાંય લખેલા નથી. તે આપણા વિચાર, વર્તન અને સમજણમાં વસે છે. જે માણસ પરિસ્થિતિને સ્વીકારવાની કળા શીખી જાય છે, તે સુખને આમંત્રણ આપે છે અને દુઃખને પણ દર્પણ બનાવી લે છે.
સુખનું સરનામું સંતોષના દીવામાં ઝળહળે છે, દુઃખનું સરનામું અપેક્ષાના વાદળમાં છુપાય છે.
સમજણની છત્રી જે રાખે જીવનના આકાશે,
તેના માર્ગે તો સુખ–દુઃખ બંને
મહેમાન બની જાય છે.









































