ગીરગઢડા તાલુકાના જસાધાર રેન્જ વિસ્તારમાં સિંહની પજવણી કરવાના કેસમાં ઝડપાયેલા વેરાવળ શહેરના ત્રણ યુવાનોને ગીરગઢડા કોર્ટે જામીનમુક્ત કર્યા હતા. વકીલની ધારદાર દલીલો અને સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટોને ટાંકીને કોર્ટે આરોપીઓને શરતી જામીન આપ્યા હતા. બનાવની વિગત પ્રમાણે તારીખ ૨૧/૧૦/૨૦૨૫ના રોજ વેરાવળના રહેવાસી સર્જીલભાઈ પંજા, અ.હન્નાન બાગજી અને માહીન કોઠારી વિરુદ્ધ જસાધાર રેન્જમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, આ યુવાનોએ જસાધાર રેન્જના નવાબંદર વિસ્તાર, જે સિંહોનો હેબિટાટ છે, ત્યાં મારણ ખાઈ રહેલા સિંહ ઉપર કારની લાઈટ નાખી તેમજ પથ્થરો મારી સિંહને ભાગી જવા મજબૂર કર્યો હતો. આ અંગે જસાધાર રેન્જ ફોરેસ્ટ ગુ.૨.નં. ૧૮/૨૦૨૫/૨૬ થી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશનો દંડ તો ભરી દીધો હતો, પરંતુ વન વિભાગને તેમના મોબાઈલમાંથી સિંહોની પજવણીના જુના વીડિયો મળ્યા હતા. જેને આધારે વન વિભાગે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આરોપીઓના વકીલ અલીનકી નકવી (છાછર વાળા) દ્વારા ગીરગઢડા કોર્ટમાં જામીન અરજી ચલાવવામાં આવી હતી. વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીઓના મોબાઈલમાંથી મળી આવેલા વીડિયોની એફ.એસ.એલ તપાસ હજુ બાકી છે. જ્યાં સુધી એફ.એસ.એલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ માત્ર આરોપો જ ગણાય. વકીલ નકવીએ દલીલ કરી હતી કે, રિપોર્ટ આવે ત્યાં સુધી આરોપીઓને જેલ હવાલે રાખવા વ્યાજબી નથી. તેમણે નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ જજમેન્ટો રજૂ કરી સબળ રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, ગીરગઢડા કોર્ટે આ ત્રણ આરોપીઓને જામીનમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જામીન મળતા આરોપીઓના પરિવારજનો અને મિત્રોમાં રાહતની લાગણી પ્રસરી હતી.





































