ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાંથી એકત્રિત થતા સૂકા તથા ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ તથા સિવિલ વર્કનું આજે ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. ૩.૪૬ કરોડનો ખર્ચ અનુમાનિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ શહેરમાં કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે તથા સ્વચ્છતા અભિયાનને નવી દિશા મળશે. આ પ્રોજેક્ટના માધ્યમથી નગરપાલિકા ક્ષેત્રમાં પર્યાવરણ સુરક્ષા, રિસાયક્લિંગ અને સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં
જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ, મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, મોહિતભાઈ સુદાણી, ચીફ ઓફિસર સાવન રતાણી સાહેબ સહિત નગરપાલિકા સભ્યો તેમજ શહેરના આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.