સાવરકુંડલાના હાથસણી ગામે પ્રેમસંબંધની અદાવતમાં એક યુવક પર પાંચથી વધુ શખ્સોએ ઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. નાના ભાઈના મૈત્રી કરારનો રોષ મોટા ભાઈ પર ઉતારી, આરોપીઓએ ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ વડે બેરહેમીથી માર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે રાજુભાઈ રત્નાભાઇ કુડેચા (ઉ.વ.૨૫)એ જગદીશભાઇ શામજીભાઇ ચારોલા તથા પરેશભાઇ હિંમતભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના નાનાભાઈ રાહુલને જગદીશભાઈ ચારોલાના પત્ની સાથે પ્રેમસંબંધ હતો. ગત તા. ૨૬/૦૨/૨૦૨૬ના રોજ હેતલબેન પોતાના બાળકને લઈને ઘરેથી નીકળી ગયા હતા અને રાહુલ સાથે મૈત્રી કરાર કરી તેના ઘરે રહેવા લાગ્યા હતા. આ બાબતનો ખાર રાખીને ઉશ્કેરાયેલા બંને લોકોએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ જ્યારે પોતાના ઘરના ફળિયામાં સૂતા હતા, ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓ તેના પર તૂટી પડ્યા હતા. લોખંડના પાઇપથી આડેધડ ફટકા માર્યા હતા, જેના કારણે તેના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત જમણા ગાલ અને હાથના ભાગે પણ ઈજાઓ થઈ હતી. હુમલા દરમિયાન તેના સાળા કૌશિકભાઈ બચાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ મૂઢ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી પી પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.










































