રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ માર્ગની સમસ્યા ન રહે તેવા ઉદ્દેશ્યથી મંજૂર થયેલા માર્ગોનું સમારકામ અને રિસર્ફેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અભરામપરા એપ્રોચ રોડનું નવીનિકરણ થતા ગ્રામ્ય વિસ્તારની સુવિધામાં ઉમેરો થશે. આ અંગે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર સ્મિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત હસ્તકના ૭૧ જેટલા રસ્તાઓનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. હાલ મંજૂર થયેલા માર્ગ પૈકીના અભરામપરા એપ્રોચ રોડનું જાબાળ સુધી ૦૪ કિલોમીટરનું રિસર્ફેસીંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં અંદાજિત ૩૧૨૦ ટન મટીરિયલ સાથે મલ્ટીલેયર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં જે.સી.બી ગ્રેડર, કમ્પ્રેસર, સ્પ્રેયર, પેવર અન રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેવાડાના વિસ્તારોમાં માર્ગના દુરસ્તીકરણની માંગણીઓ મુજબ મંજૂર થયેલા માર્ગનું કામ પૂરજોશમાં શરૂ છે.