ડાયમંડ સિટી સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સાસરિયાંઓના કથિત માનસિક ત્રાસ અને કનડગતથી કંટાળીને ૨૬ વર્ષીય પૂનમ શાહે પોતાના ૪ વર્ષના માસૂમ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી. ઘટનાના દિવસે સવારે પૂનમનો ભાઈ કોઈ કામ અર્થે બહાર ગયો હતો. અંદાજે ૧૧ વાગ્યે તે અચાનક પોતાનું મોબાઈલ ચાર્જર લેવા ઘરે પરત ફર્યો ત્યારે ઘરનું દૃશ્ય જાઈ તેના હોશ ઊડી ગયા હતા. રૂમમાં તેની બહેન પૂનમ અને ૪ વર્ષનો ભાણેજ બંને મૃત હાલતમાં હતા. તાત્કાલિક હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હોવા છતાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
પૂનમના પતિ કરણ શાહ ક્યારેય  પત્નીનો પક્ષ લેવાને બદલે નણંદના કહેવા પર ઝઘડો કરતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. લગ્નના ૫ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી. પતિ કરણ પોતે દેવામાં હોવાનું બહાનું કાઢી પૂનમને પિયર જ રહેવા મજબૂર કરતો હતો.
પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદના કરણ શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સપનાઓ સાથે શરૂ થયેલી આ સફર ટૂંક સમયમાં જ બોજ બની ગઈ હતી. ગર્ભાવસ્થા જેવા નાજુક સમયે પણ તેની સંભાળ રાખવાને બદલે સાસરિયાંઓએ તેને પિયર મોકલી દીધી હતી. માતા ઉષાબેને રડતા હૃદયે જણાવ્યું કે, “મારી દીકરી ક્યારેય  બોજ બનવા નહોતી માંગતી, પણ સાસરિયાંઓએ તેને જીવવા જેવી છોડી નહોતી.”
આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાસરિયાંઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.