સાવરકુંડલા શહેરના હૃદય સમા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ છેલ્લા સાત દાયકાથી કાર્યરત છે. પરંતુ, પોસ્ટ ઓફિસના બિલ્ડિંગમાં છતમાંથી પાણી ટપકવા જેવી નાની સમસ્યાના સમારકામ કરવાના બદલે, તેને ખાલી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શરૂઆતમાં નગરપાલિકા દ્વારા આ પ્રશ્ન તાલુકા સંકલન સમિતિમાં રજૂ કરાયો હતો અને ત્યારબાદ પોસ્ટ વિભાગને બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં “જરૂર પડે તો મરામત કરવી” અથવા “જર્જરિત ભાગ ઉતારી લેવા” જેવી ગોળગોળ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ પોસ્ટ ઓફિસનું સ્થળાંતર થશે તો શહેરીજનોને મધ્યવર્તી વિસ્તારમાં મળતી આ મહત્વની સુવિધાથી વંચિત રહેવું પડશે.








































