૯૭–સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં SIR–૨૦૨૬ અંતર્ગત પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્‌ટ મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં નાયબ કલેકટર તથા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખોટા ફોર્મ નં. ૭ ભરીને ચોક્કસ વિચારધારા ધરાવતા મતદારોના નામ કમી કરનારા સામે કાનૂની પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું કે, જાહેર માહિતી અધિનિયમ હેઠળ રૂ. ૨૧,૫૭૬ જેવી માતબર રકમની ફી ભરીને મેળવેલી માહિતી પરથી સ્પષ્ટ થયું છે કે, ભાજપના અમુક મ્ન્છ અને કાર્યકર્તાઓ દ્વારા કોઈ આધાર-પુરાવા વિના ૪૫થી વધુ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા દૂર્ભાવનાપૂર્વક ફોર્મ નં. ૭ નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ દ્વારા સર્વે સમાજના નામ મતદાર યાદીમાંથી કાપવાના પ્રયાસો થયા છે, જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)-૨૦૨૩ હેઠળ ગુનાહિત કૃત્ય છે. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે, ફોર્મ નં. ૭ ના આધારે થયેલી નામ કાપવાની તમામ કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. જવાબદાર અરજદારોએ પોતાની ભૂલ સ્વીકારી ૫ દિવસમાં ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ રજૂ કરવું, અન્યથા તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. દુધાતે ચીમકી ઉચ્ચારી હતી કે આ લડાઈ સંવિધાનિક છે અને જો વહીવટી સ્તરે ન્યાય નહીં મળે તો કોર્ટનો આશરો લેવામાં આવશે. આ રજૂઆત વેળાએ ચંદ્રેશભાઈ રવાણી, નરેશભાઈ દેવાણી, કનુભાઈ ડોડીયા, મહેશભાઈ જયાણી, દાનુભાઈ ખુમાણ, હસુભાઈ બગડા, અશોકભાઈ ખુમાણ, જસુભાઈ ખુમાણ સહિતના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.