ભારતીય સનાતન સંસ્કૃતિના પાવન પર્વ સમાન શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ શિવ મંદિરોમાં જઈ દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળે છે. રવિવારે શ્રાવણના બીજા દિવસે સાવરકુંડલા ખાતે દરેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકો શિવદર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડતાં જોવા મળ્યા હતા. નાગનાથ સોસાયટી સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરે એક વિદ્વાન શિવભક્ત બારેય માસ પૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાન શિવજીની ઉપાસના કરે છે.