સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે “કૃષિ બાગાયત એક્સેલન્સ સેન્ટર”નું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. અંદાજે ૧૦૦ વીઘા જમીનમાં રૂ.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારું આ સેન્ટર ધારાસભ્ય મહેશ કસવાળાના દૂરંદેશી વિઝનનું પરિણામ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાગાયતી પાકો માટે નવા પ્રયોગો, ઉચ્ચ ગુણવત્તાના બીજ અને ધરુ (સીડલિંગ) પર સંશોધન કરવામાં આવશે. આ કેન્દ્રમાં ખેડૂતોને આધુનિક ખેતીની તકનીકો અપનાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેનાથી તેમની ઉત્પાદકતા અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. ખાતમુહૂર્ત પૂર્વે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ અધિકારીઓની ટીમ સાથે સ્થળ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ સાવરકુંડલા વિસ્તારના ખેડૂતો માટે આધુનિક ખેતી તરફનું એક મજબૂત અને ઐતિહાસિક પગલું સાબિત થશે.










































