લગ્ન બાદ દીકરીને ઢગ લઈ તેડીને પરત ફરતી વખતે બનાવ બન્યો

સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ નજીક એક બોલેરોએ પલટી મારી જતા ૧૫ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી જયારે એક મહિલાનું મૃત્યું થયુ છે. જેમાંથી ૮ વ્યક્તિઓને ૧૦૮ મારફતે સાવરકુંડલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચાર વ્યક્તિઓને વંડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રસનબેન અશોકભાઈ વાઘેલા – ૪૮ વર્ષની મહિલાનું મૃત્યુ થતાં તેમને સાવરકુંડલા પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ પાલીતાણા નજીક ગંઢોળ હસ્તગીરી ગામના કોળી પરિવારના દીકરીના ગઈકાલે લગ્ન થયા હતા અને ૨૯ નવેમ્બર ૨૦૨૫ શુક્રવારના રોજ સેંજળ ગામે દીકરીને તેડવા માટે આ પરિવાર ગયો હતો. દીકરીને તેડીને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, એપીએમસી ચેરમેન દીપકભાઈ માલાણી અને જીવનભાઈ વેકરીયાએ ઘટના સ્થળે પહોંચી સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી અને હોસ્પિટલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી હતી. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.