સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે દાતા એલ.ડી. ગેડીયા દ્વારા ગામના પાદરમાં બનાવી આપેલા બસ સ્ટેન્ડમાં તોડફોડ અને ગેરકાયદેસર દબાણ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામના અમરુભાઈ આલીકભાઈ લૂણસર દ્વારા બસ સ્ટેન્ડના સ્ટ્રક્ચરને બંને બાજુથી નુકસાન કરી, ઉપરના ભાગે આવેલી પારાપેટ તોડી પાડી અને પાછળની દીવાલમાં ગાબડું પાડી ગ્રામ પંચાયતની જગ્યા પર કબજો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં બસ સ્ટેન્ડમાં ખાટલા, બોર્ડ-બેનર, લારીઓ અને કેરેટ જેવો સામાન ખડકી દેવામાં આવ્યો હોવાથી રાહદારીઓને બેસવાની પણ જગ્યા નથી. આ ઉપરાંત રોડ પર છાપરાઓ બનાવી ચા-નાસ્તાની લારીઓ ઉભી કરી દબાણ કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામજનો આ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે ‘બસ સ્ટેન્ડ તો પડી જ જશે, તમારે જે કરવું હોય તે કરો, અમારે અહીં દુકાન બનાવવાની છે’ તેવો ઉદ્ધતાઈભર્યો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ બાબતે ગત તા. ૧૩/૦૧/૨૦૨૬ના રોજ ઈમેલ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૦૫ હેઠળ દબાણ દૂર કરવા માંગ કરી છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તાલુકા/જિલ્લા સ્વાગત, સીએમ પોર્ટલ અને પીએમ પોર્ટલ સુધી ફરિયાદ કરવાની ચીમકી શેલણાના ગ્રામજનોએ ઉચ્ચારી છે.