અમરેલીમાં યોજાયેલા જિલ્લા કક્ષાના ‘શિક્ષક દિવસ’ની ઉજવણીમાં સાવરકુંડલાના ડા. મયુર દેસાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાધકડા ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા ડા. દેસાઈને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ ગૌરવ પ્રાપ્ત થયું હતું.
ડા. દેસાઈએ માહિતી અને ટેક્નોલોજીના આ યુગમાં બાળકો વાંચનથી દૂર ન થાય તે માટે ‘વાંચન-પ્રેરણા યજ્ઞ’ શરૂ કર્યો છે, જેનાથી બાળકો પુસ્તકપ્રેમી બન્યા છે. તેઓ જિલ્લા અને રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે શાળાઓને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. આ ઉપરાંત, તેઓ વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાઓ માટે પણ મદદ કરે છે. પોતાના સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં ડા. દેસાઈએ જણાવ્યું કે, શિક્ષણ દ્વારા બાળકોની ક્ષિતિજો વિસ્તરે છે, અને જ્યારે તેનો ઉપયોગ સમાજ માટે થાય, ત્યારે શિક્ષણ કેળવણી બને છે. અંગ્રેજી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી ધરાવતા ડા. મયુર દેસાઈ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને પણ માર્ગદર્શન આપે છે.