ગુજરાતમાં વધુ એક પૂલ તૂટવાની દુર્ઘટના થઈ. આ પૂલ સમારકામ માગી લે તેવો હતો. તેને અનુમતિ પણ ત્રણ અઠવાડિયા પહેલાં અપાઈ ગયેલી પરંતુ તે સરકારી કામકાજની ઢબે ન શરૂ થઈ. એ તો ઠીક, પરંતુ વાહનવ્યવહાર બંધ ન કરાયો અને ટેન્કર વગેરે મોટાં વાહનો પસાર થતાં વચ્ચેનો એક ટુકડો તૂટી પડ્યો. ચાલીસ વર્ષ પહેલાં બનેલો પૂલ સમયે- સમયે મેઇનટેન થતો હતો તેવું સરકારનું કહેવું છે. દુર્ઘટનાનો કોઈ બચાવ ચાલે તેમ નથી. પરંતુ એક વાત એ પણ સત્ય છે કે ૪૦ વર્ષથી પૂલ ટકેલો હતો. અને સમયે સમારકામ થઈ ગયું હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. સાથે એ વાત પણ એટલી જ મહ¥વની છે કે મોરબી પૂલની દુર્ઘટના પછી જ બધા પૂલની તપાસના આદેશ છૂટ્યા હતા તો કેમ તપાસ ન થઈ? સાથે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે બોપલ-સનાથલ જોડતા રસ્તા પર બનતો પૂલ હોય તેમાં કોઈ દુર્ઘટના નથી બની પણ પૂલ તૂટી તો પડ્યો જ છે. એટલે કામ કેટલું નબળું થાય છે તે તો આંખે ઊડીને વળગે તેવું કામ નથી પરંતુ આંખમાં ખૂંચે તેવું કામ છે.
એક તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે કે હું જે કામનો શિલાન્યાસ કરું છું તેનું ઉદ્ઘાટન પણ કરું છું. અર્થાત્ નિશ્ચિત સમય મર્યાદામાં કામ પતી જાય છે, પરંતુ સામા પક્ષે ગુજરાત જે તેમનું રાલ માડલ રાજ્ય હતું, જેના આધારે તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા તેમાં આવાં ભ્રષ્ટાચારનાં કામો થાય ! નકલી શાળા, નકલી કલેક્ટર, નકલી પોલીસ, નકલી ટાલ ટેક્સ કચેરી મળે. અમદાવાદમાં ગુંડાઓ પૂર્વ વિસ્તારમાં ત્રાસ વર્તાવે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે સાર્વજનિક રીતે લડાઈ ચાલે, માર મારવામાં આવે, ધમકી આપવામાં આવે, એવું લાગે જાણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મરી પરવાર્યા છે.
કોઈ શંકા નથી કે આની સામે સુરતમાં મુસ્લિમો દ્વારા હેરાનગતિ હોય કે પછી સોમનાથમાં મહેમૂદ ગઝનીની પ્રશંસા કરતો કટ્ટરવાદી હોય, કે પછી ગ્રીષ્મા હત્યા કેસ હોય તો તેમાં પોલીસે પ્રશંસનીય કાર્યવાહી કરી છે.
સોમનાથ, કચ્છ કે પછી અમદાવાદમાં ગેરકાયદે દબાણ કોઈ પણ પંથના હોય તો તેને હટાવવાની કાર્યવાહી થઈ છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને એક દિવસ હટાવી શકાશે તેવું તો સમર્થકો પણ ભૂલી ગયા હતા. પરંતુ પોલીસના ધાડાં ઉતારીને તેમના દબાણો સાહસપૂર્વક તોડી પડાયાં છે. બારડોલી અને આસપાસના વિસ્તારોમાંથી ૧૩૦ બાંગ્લાદેશીઓને પકડી પડાયા. તે બાબતે મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન બંને યશના પાત્ર છે જ. પરંતુ નકારાત્મકતા ઊડીને આંખે વળગે. મમ્મી રોજ સારી રસોઈ બનાવતી હોય તેમાં એકાદ દિવસ રસોઈ બગડે તો પપ્પાથી માંડીને છોકરાઓ વઢે. ગુજરાતમાં બીજા કોઈ પાસે અપેક્ષા નથી. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તેમાં જાણે મોટો મીર માર્યો હોય તેમ કેટલાક લોકો મંડી પડ્યા છે. ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને જિજ્ઞેશ મેવાણી ચર્ચાના કેન્દ્રમાં રહે છે અને સ્વાભાવિક પણ છે કારણકે વિપક્ષમાં આ ત્રણ નેતા બોલકા અને સક્રિય દેખાય છે. પરંતુ તેમાંથી ગોપાલ અને ચૈતર વસાવાની ઘર્ષણ કરતાં અરાજકતાની નીતિ વધુ છે. કાયદાનો ભંગ કરવો, ઉશ્કેરવા, માર મારવો, અભદ્ર ભાષા વાપરવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા સામે અભદ્ર ભાષા વાપરવી એ ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા નહીં, પણ આઆપની રાજનીતિની જ ચાલ (વલણ) છે. આઆપનો જન્મ જ અરાજકતા ફેલાવવામાંથી થયો. કાંગ્રેસ સરકાર સામે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કર્યું. કાંગ્રેસના પ્રધાનોને ગમે તેવી ભાષા વાપરી કુખ્યાત કર્યા. ચોર કહ્યા.
આંદોલનનો હેતુ લોકપાલનો હતો. પરંતુ કેજરીવાલે પોતાના જ પક્ષમાંથી આંતરિક લોકપાલ ઍડિ્મરલ રામદાસને બહાર કાઢી મૂક્યા. પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા યૌદ્ધાઓને પણ બહારનો દરવાજો દેખાડ્યો. રાજ્યસભાની બેઠક ખાલી ન કરવા બદલ પોતાનાં જ મહિલા સાંસદ સ્વાતિ માલીવાલને ઘર બોલાવીને તેમના પર અંગત સચિવ બિભવકુમાર પાસે આક્રમણ કરાવડાવ્યું.
દિલ્લીમાં ૨૦૧૩માં સરકાર હતી ત્યારે સોમનાથ ભારતી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા. એક આફ્રિકી મહિલા જે નોઇડાની એમિટી યુનિવર્સિટીમાં ભણતી હતી તેના પર આક્રમણ કરવા ટોળાને ઉશ્કેર્યું. સંજયસિંહથી માંડીને અરવિંદ કેજરીવાલે નવી રાજનીતિ શરૂ કરી જેમાં વડાપ્રધાનને પણ તુંકારો કરી શકાય અને દિલ્લી વિધાનસભામાં મન ફાવે તેવા આક્ષેપો કરી શકાય. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કર્યું પરંતુ આઆપના અડધો ડઝન પ્રધાનો જેલમાં ગયા. અને અરવિંદ કેજરીવાલે પોતે મકાન, સુરક્ષા કે ભવ્ય મોટી કાર વાપરવાની ના પાડી હતી, તે કેજરીવાલ મોટી કારમાં ફરતા થઈ ગયા, સુરક્ષા લેવા લાગ્યા અને ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણી વખતે આઆપે કહેલું કે ગુજરાત સરકાર કેજરીવાલને સુરક્ષા નથી આપતી, પરંતુ જ્યારે આપી ત્યારે કહ્યું કે પીછો કરે છે. અને દિલ્લીમાં ભવ્ય શીશમહલ બનાવ્યો.
પાંચ પોલીસને સસ્પેન્ડ કરવાની માગણી સાથે કાંગ્રેસની યુપીએ સરકાર સામે બરાબર ૨૬ જાન્યુઆરીએ જ ધરણા પર બેઠા હતા. આ ધરણામાં સામાન્ય લોકો પણ આવતા હોય અને ઉશ્કેરાઈને હિંસા પણ થઈ શકે અને ત્રાસવાદીઓ લાભ લઈને આક્રમણ પણ કરી શકે, પરંતુ સમજે એ બીજા, કેજરીવાલ નહીં.
અકાલી દળ અને ભાજપની સરકારથી લોકો કંટાળી ગયા હતા અને તે પછી ચૂંટાઈને આવેલા કેપ્ટન અમરિંદરસિંહ તેમજ નવજોતસિંહ સિદ્ધુના ઝઘડા અને પછી ચરણજીતસિંહ ચન્ની-સિદ્ધુના ઝઘડાથી પણ લોકો કંટાળ્યા એટલે વળી આઆપની સરકાર ચૂંટી કારણકે ત્યાં બીજો કોઈ મોટો પક્ષ નથી. ભાજપનું સંગઠન નબળું છે. પરંતુ ભગવંત માનની સરકારમાં રોજેરોજ શું થાય છે તે ગુજરાતમાં ભલે ‘હું તો પ્રશ્ન પૂછીશ’ અને અમે સત્ય સંગાથે કહેનારા ન કહે, પરંતુ લોકો સુધી તો પહોંચે જ છે. પંજાબની આર્થિક સ્થિતિ ખરાબ કરી નાખી, પેટ્રાલ-ડીઝલ પર ‘વેટ’ વધારી તે મોંઘું કરી નાખ્યું, ખાલિસ્તાનીઓને છૂટો દોર મળી ગયો, આરએસએસના નેતાઓ, શિવસેનાના નેતા, ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ જેલમાંથી બેઠા-બેઠાં જીતી ગયો !
ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની વાત કરનારા આઆપના નેતાઓ પંજાબમાં સંવિધાનની હત્યા કઈ રીતે થાય છે તે નહીં જોતા હોય? પંજાબમાં નવી સરકાર આઆપની બની ત્યારે તેના આઈએએસ અધિકારીઓ આદેશ લેવા દિલ્લીમાં કેજરીવાલ પાસે આવતા હતા ! કેજરીવાલ સુપર સીએમ તરીકે વર્તતા હતા. અને કેજરીવાલ જે પણ રાજ્યમાં ચૂંટણી સભા સંબોધવા જાય ત્યાં ભગવંત માનને સાથે રાખતા હતા ! કેમ? કારણકે ખર્ચો પંજાબના ખાતામાં પડે અને હવે દિલ્લીમાં હાર્યા પછી તો પંજાબમાં જ પડ્યા પાથર્યા રહે છે. અધૂરામાં પૂરું, પંજાબમાં બાર્ડ- કમિશનમાં મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન વગેરે જે લોકો દિલ્લીમાંથી નવરા પડ્યા તેમનો સમાવેશ કરી પંજાબના મંત્રીઓની ઉપર મૂકી દીધા તેમ ‘ઇકાનામિક ટાઇમ્સ’નો અહેવાલ કહે છે. એટલે માનો કે ગુજરાતમાં આઆપ ૨૦૨૭માં જીતશે તો શું વહીવટ સ્થાનિક નેતાઓ કરશે? ના, તો તો પછી પંજાબ છોડીને કેજરીવાલ ગુજરાતમાં જ ધામા નાખી દે. જે વ્યક્તિ દિલ્લીના મુખ્ય પ્રધાન બન્યા પછી આઆપનું સંયોજકનું સર્વોચ્ચ પદ ન છોડતો હોય અને પોતાને જેલમાં જવું પડ્યું તે પછી બહાર આવ્યા પછી ભલે આતિશી માર્લેના મુખ્ય પ્રધાન હોય પરંતુ સરકારી ઘોષણા પોતે જ કરતા હોય અને સુપર સીએમ તરીકે વર્તતા હોય તેવું તો ભાજપ, કાંગ્રેસ, સમાજવાદી પક્ષ, રાજદ ક્યાંય જોવા નથી મળ્યું. હા, વચ્ચે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર હતી ત્યારે શરદ પવાર સુપર સીએમ તરીકે હડતાળિયા કર્મચારીઓની બેઠક લેવા સહિતનાં કામો કરતાં હતાં. ફરી ગુજરાતની વાત પર આવીએ તો, ભાજપ સરકાર જાણે ચાલતી જ ન હોય તેવું લાગે છે. મુખ્ય પ્રધાન સારા વક્તા નથી. તેમનાં ભાષણો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ચાલુ થાય છે. કોઈ સિક્સર આવતી નથી. કોઈ ધારદાર બોલી શકતા નથી. સરકારના પ્રવક્તા તરીકે ઋષિકેશ પટેલ પોતે કંટાળેલા છે. વચ્ચે સદસ્યતા અભિયાન વખતે તેમની અને જગદીશ વિશ્વકર્માની વાતચીત માઇક ચાલુ હોવાના કારણે મીડિયાએ ઉછાળી હતી જેમાં ઋષિકેશ પટેલ કહેતા હતા કે ભલે મને કાઢી મૂકે. એટલે તેઓ પ્રવક્તા તરીકે અસરકારક રીતે વાત મૂકી શકતા નથી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દર મહિને કે બે મહિને ગુજરાત આવતા રહે છે, વિકાસનાં કામોનાં લોકાર્પણ કરતા રહે છે, પરંતુ ભાજપના નેતાઓ તેને રિટ્વીટ કરે છે. લોકો સુધી તે પહોંચતું નથી. છોટા ઉદેપુરમાં રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં લઈને જવું પડે છે કે ક્યાંક શાળાઓ જર્જરિત છે તો ક્યાંક સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે (જેનું કારણ મુખ્ય પ્રધાને સરસ સમજાવ્યું હતું કે લોકોને ખાનગી શાળાનો મોહ છે. તેથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા આવે તો શિક્ષકો ઓછા જ હોવાના.) તો વળી ખ્યાતિ હાસ્પિટલ કાંડ થાય છે જેમાં પક્ષ સાથે સંકળાયેલા મોટાં માથાંઓ હોય છે. રાજકોટમાં રૂ. ૭૦૦માં આયુષ્માન કાર્ડ વેચાતું મળે છે. ભાવનગરમાં જીએસટી કૌભાંડો ઝડપાય છે અને ત્યાંના મુસ્લિમ આરોપીઓને સ્થાનિક રાજકારણીઓના આશીર્વાદ હોવાના આક્ષેપો થાય છે. અધૂરામાં પૂરું, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પછી સી.આર. પાટીલ કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન બન્યા તેથી ભાજપના નિયમ પ્રમાણે, એક વ્યક્તિને એક હોદ્દો હોવો જોઈએ તેના બદલે સંગઠનની ચૂંટણીઓમાં નિયમો વગેરેના ડખાના કારણે આજ સુધી ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ આપી શકાયા નથી. (આ નિયમ ભાજપમાં જ છે. કાંગ્રેસ, આઆપ, રાજદ, સપ, બસપ વગેરેમાં ક્યાંય તેનું પાલન થતું નથી.) તો રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ આવું જ છે. કહેવાનો અર્થ એ છે કે વિદેશોમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન થાય છે, સર્વોચ્ચ નાગરિક સન્માન અનેક દેશોમાં મળે છે, તુર્કીને ઘેરવા ગ્રીસ, સાઇપ્રસની મુલાકાત વડાપ્રધાન લે છે (તેનું કેટલાકને પેટમાં દુઃખે તે સ્વાભાવિક છે) અથવા વિદેશ પ્રધાન એસ. જયશંકર વિદેશ પ્રધાન તરીકે હાઇપર એક્ટિવ છે અને તરત વિદેશ દોડી જાય છે. વિદેશમાં ભારતીયો ફસાય તો તેમને પાછા લાવવામાં આવે છે. (ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષ વખતે ઇરાનમાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓને અને અન્યોને લાવવામાં આવ્યા તે તાજો દાખલો છે). પાકિસ્તાનમાં આૅપરેશન સિંદૂર કરી એવા ઘા આપ્યા છે કે ત્યાંના રાષ્ટ્રપ્રમુખના દીકરા અને પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટો હાફીઝ સઈદ અને મસૂદ અઝહર ભારતને સોંપવા તૈયાર હોવાનું કહે છે (જોકે તેને ભારતમાં કેટલાક નકલી ગાંધીવાદીઓ હું તો મુખ્ય બાબત નહીં જ બનાવું તેમ કહી દબાવી દે છે). અત્યારે જેએનયૂના પ્રાધ્યાપિકા જયતિ ઘોષનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહે છે કે ૨૦૧૩માં ભારતનું અર્થતંત્ર ડૂબવાના આરે છે અને તેનું કારણ (અર્થશાસ્ત્રી ગણાતા) ડા. મનમોહનસિંહની નીતિઓ છે. તો અત્યારે ભારતનું અર્થતંત્ર પૂરપાટ કેમ દોડી રહ્યું છે? આટલાં નવાં સ્ટાર્ટ અપ કેમ આવી રહ્યાં છે? શૅરબજાર કેમ નવી-નવી સપાટીઓ સર કરી રહ્યું છે? નવી-નવી ગાડીઓ કેમ લોકો ખરીદી રહ્યા છે? માલદિવ્સથી માંડીને તુર્કી સુધી લોકો પાસે ફરવા જવાનાં નાણાં ક્યાંથી આવે છે? સ્વાભાવિક તેનું મુખ્ય કારણ એ છે કે ડા.મનમોહનસિંહ સમયે એક તો મોરચા સરકાર હતી. વળી, તેમાં મનમોહનસિંહને ન ગાંઠે તેવા તેમનાથી સિનિયર પ્રધાનો પ્રણવ મુખર્જી, પી. ચિદમ્બરમ્, જયરામ રમેશ અને મીનાક્ષી નટરાજન વગેરે હતાં. વળી, સુપર પીએમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હતાં. તેમાં વળી સબસિડીવાળી ગરીબો તરફી નીતિ વધુ હતી પરંતુ સામે આવક વધુ થાય તેવી નીતિઓ નહોતી. સરકારમાં સ્થિરતા પણ નહોતી. પહેલાં ડાબેરી પક્ષો છોડીને ગયા પછી ડીએમકેએ સરકાર છોડી, તે પછી તૃણમૂલે. આમ, અસ્થિરતા સતત રહેતી હતી. અર્થતંત્ર સારું થાય તેમાં રાજકીય સ્થિરતા અને ઝડપી નિર્ણયો મહ¥વના રહે છે. મોદી સરકારમાં એ બંને બાબતો છે. તેમની સરકાર અમેરિકાની હાથ મરોડવાની નીતિ છતાં ઝૂકતી નથી. છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં માઓવાદીઓ અને નક્સલવાદીઓનો સફાયો થઈ રહ્યો છે. અલબત્ત, તેનાથી તેલંગાણા કાંગ્રેસ અધ્યક્ષના પેટમાં અવશ્ય દુઃખાવો ઉપડ્યો છે. પરંતુ આ બધામાં ગુજરાત હોય કે મધ્ય પ્રદેશ કે પછી હવે મહારાષ્ટ્રમાં ભાષાના નામે હિંસા પર ઉતરી આવેલા અને ભેગા થઈ ગયેલા ઠાકરે બંધુઓ હોય, કે પછી તૃણમૂલમાં શિક્ષકોની ભરતી કૌભાંડના કારણે ન્યાયાલય એ શિક્ષકોની ભરતી નિરસ્ત કરે તો પણ ફરીવાર ભરતી થાય ત્યારે એ શિક્ષકોને ભરતી માટે આવેદન કરવા દેવામાં આવે અને તેની સામે ઉચ્ચ ન્યાયાલય ફરી લાલ આંખ કરે, કોલકાતામાં પહેલાં ડાક્ટર મહિલા અને પછી કાયદાની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર તેને યાતના આપીને થાય અને તેમાં તેની પાસે તૃણમૂલને સમર્થન કરવાનું કહેવામાં આવે, સંદેશખાલીમાં દલિત-આદિવાસી મહિલાઓ પર અત્યાચારો થાય કે પછી કર્ણાટકમાં મુખ્ય પ્રધાન-નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે ઝઘડા થતા રહે, મુખ્ય પ્રધાન પર પોતાની પત્નીને કોઈ જમીન સસ્તા ભાવે ફાળવી દેવાના કૌભાંડનો આરોપ લાગે, સરકારી આવાસોમાં અલ્પ સંખ્યકો માટેની અનામત ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દેવામાં આવે, તમિલનાડુમાં બિહારીઓ સામે આક્રોશ જાગે અને સ્ટાલિન સનાતન ધર્મને વાઇરસ ગણાવે. આ બધું બતાવે છે કે મોદી સરકારે વિપક્ષી રાજ્યોને તો એકદમ છૂટ આપી દીધી છે (કદાચ તેમને ડર હશે કે સરકાર ભંગ કરવાથી લોકતંત્ર વિરોધી હોવાનું આળ આપણા પર લાગે) પરંતુ ગુજરાતમાંય કોઈ સબળા-લોકપ્રિય નેતાને મુખ્ય પ્રધાન ન બનાવી આઆપ માટે મેદાન તૈયાર કરી રહ્યા હોય તેવું લાગે છે.