વિશ્વભરમાં જાણીતી એવી એક સેલિબ્રિટી સાથે તમારે લફરું થઈ ગયું છે. (અથવા માંડ માંડ કર્યું છે.) એક દિવસ તમારી તમામ ખાનગી હકીકતો લીક થઈ ગઈ છે. (અથવા તો તમે જ માંડમાંડ કરીને કોઈ પત્રકાર સાથે લાગવગ કરીને લીક કરી છે અને પાછળથી પત્રકારો આવું બધું ક્યાંથી ઘડી કાઢે છે એ જ સમજાતું નથી એવો બડબડાટ કરવાનો તમારો પોલીટીકલ પ્લાન છે.) લોકો શેરી-ગલીઓમાં અને પાનના ગલ્લાથી લઈને બગીચાઓ સુધીના સ્થળે બસ તમારી જ ‘ખોદણી” કરી રહ્યાં છે. જગતભરના મિડિયા તમારા પર તૂટી પડ્યા છે. તમારાં વિરૂદ્ધ લખવા-બોલવાની કોઈ જ તક જતી કરવાનું પત્રકારોને પોસાતું નથી. આવી સ્થિતિમાં તમે (માત્ર ફોર્માલીટી ખાતર) હેરાન-પરેશાન થઈ ગયા હોવાનો અભિનય કરી રહ્યા છો. અને અંદરખાને મગજના માઈન્ડોસ્કોપમાં રાજી રાજી થઈ રહ્યા છો. કારણ કે તમે ય જાણો છો કે તમારી સાથે જે બિલ ક્લિન્ટનવાળી કે ટાઇગર વૂડૂસવાળી થઈ રહી છે તેમાં આખરે તો તમારી ‘પોટેશ્યાલીટી’નું જ સન્માન થઈ રહ્યું છે. આવી ઈજ્જતથી ભરપૂર પરિસ્થિતિ વચ્ચે કોઈ પત્રકાર, કોઈ જ ગીફ્ટ લીધા વગર, હજીયે તમારાં વધારે બે-પાંચ લફરાં જાહેર કરી આપવાનું તમને પ્રોમિસ કરી રહ્યો છે. અને એ સાથે જ તમારા શરીરમાં આનંદની ઝણઝણાટી વ્યાપી જાય છે… અને તમે સુંદર મજાનું રોમેન્ટિક સપનું ગુમાવી બેસો છો. પણ… આવું સપનું જો આવે તો વાસ્તવિક જગતમાં ચારે બાજુ એક નજર કરીને, કોઈ જોતું ન હોય ત્યારે અત્યંત છાનેખૂણે રાજીના રેડ થઇ જવામાં સ્ટેજ પણ પાછીપાની ન કરશો. કારણ કે ખુદ સંતો કહી ગયા છે કે આવા પ્રકારનાં શુભ-શુભ સપનાંઓ ઘણીવાર સાચાં પણ પડે છે..પણ…
આપશ્રીના માઈન્ડોસ્કોપમાં આપને એવું સપનું આવે કે આપશ્રીને આપશ્રીના પાર્ટનર તરફથી અત્યંત સરળતાપૂર્વક અને કોઈ જ માથાક્ટ વગર સંપૂર્ણ સહકાર સાથે ડિવોર્સ મળી ગયા છે, અને આપશ્રી આનંદપૂર્વક અને ઉત્સાહપૂર્વક મિત્રો સાથે ડિવોર્સ પાર્ટી ઊજવી રહ્યા છો… તો વધારે પડતું ખુશખુશાલ થઈ જવાની જરૂર નથી. કારણ કે આવા પ્રકારનાં સપનાં સાચાં પડવાની સંભાવનાઓ માત્ર નસીબદારોનાં નસીબમાં જ હોય છે. ડિવોર્સ એ કાંઇ મેરેજ નથી કે ઊભાં-ઊભાં ને ફટોફટ થઈ જાય. આસાનીથી ડિવોર્સ મેળવવા માટે માત્ર ગયા જનમમાં જ નહીં, આ જનમમાં પણ હજારો પુણ્યકર્મો કરેલાં હોવાં જરૂરી છે.
ડિવોર્સ માટે એકદમ નિરાતે અથવા ભારપૂર્વક વાત થતી હોય ત્યારે એના માટે ડિવોર્સમેન્ટ શબ્દ પ્રયોજવામાં આવે છે. સાદી ભાષામાં સમજીએ તો ડિવોર્સમેન્ટ એક એવું સોશ્યલ સોફ્ટવેર છે જે જીવનમાં ખોટી રીતે અથવા ભૂલથી ઈન્સ્ટોલ થઈ ગયેલી પત્નીને અથવા પતિને અનઈન્સ્ટોલ કરી આપે છે. ડિવોર્સમેન્ટ એ અયોગ્ય જીવનસાથીને ‘સાઇન ઈન’ કર્યા બાદ તેમાંથી ‘સાઈન આઉટ” થવાનો ઉપાય છે. ઓક્સફર્ડ ડિક્ષનરી અનુસાર divorce એટલે the legal dissolution of a marriage… અથવા a legal decree dissolving a marriage.
ગુજરાતીમાં આપણે જેને છુટાછેડા અથવા લગ્નવિચ્છેદ કહીએ છીએ તે પોતે જ ડિવોર્સ અથવા ડિવોર્સમેન્ટ છે. પણ ડિવોર્સ શબ્દ માત્ર પતિ-પત્નીના છૂટા છેડા માટે જ વપરાય છે એવી માન્યતા તમારા દિમાગમાં ડાઉનલોડ થઈ ગઈ હોય તો તે માન્યતાને ઝડપથી ડિવોર્સ આપી દેવાથી તમારી લિન્ગવીસ્ટીક લાઇફમાં ફાયદો થશે… કારણ કે વર્બ અને નાઉન તરીકે વપરાતો ડિવોર્સ શબ્દ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે બાબતને ‘અલગ’ અથવા ‘detach’ અથવા ‘dissociate’ કરવા માટે અર્થસેવા આપે છે. દા. ત. Religion cannot be divorced from morality. ટૂંકમાં, એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલી કોઈ પણ બાબત એકબીજાથી છૂટી પડી જાય તો એના ‘ડાયવોર્સ થે ગ્યા’ કે’વાય…
જો કે આટલી બધી છૂટછાટ જોયા પછી તમે છૂટા પડવાની દરેક સ્થિતિ માટે ડિવોર્સ શબ્દ વાપરવા માંડશો તો લોકો એમ પણ સમજવા લાગશે કે તમે તમારી બુદ્ધિને ‘ડિવોર્સ’ આપી દીધા છે. દા.ત. બે મિત્રો એકબીજાથી છૂટા પડે એના માટે ડિવોર્સ શબ્દ પ્રયોગ સામાન્ય અર્થમાં થઈ શકતો નથી. H2o (પાણી)માંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડવામાં આવે તો તેના ડિવોર્સ કરવામાં આવ્યા છે એવું તો જ કહેવું જો પ્રોફેસરને મજાક સાંભળવાની ટેવ હોય. કોઈ કર્મચારીને કંપની તરફથી ‘પિંક સ્લીપ’ આપવામાં આવે તો તે એક જાતની ડિવોર્સ નોટીસ છે, એવું કહેવા-સમજવામાં કઈ વાંધો નથી.
ડિવોર્સ શબ્દ માત્ર લગ્નવિચ્છેદ માટે જ ઉધડો આપી દેવામાં આવ્યો નથી, એ વાત શબ્દના મૂળમાં ખોદકામ કરવાથી સમજાશે.
ડિવોર્સ શબ્દ અંગ્રેજી ભાષામાં સારી એવી સિનિયોરીટી ધરાવે છે. આ શબ્દ છેક મિડલ ઈંગ્લીશ વખતથી આંગ્લપ્રજાને અર્થસેવા આપી રહ્યો છે. શબ્દખેડૂઓ કહે છે કે મિડલ ઇંગ્લિશમાં ડિવોર્સ શબ્દ ઓલ્ડ ફ્રેન્ચના ડિવોર્સ શબ્દ પરથી એ જ જોડણી અને એ જ અર્થ સાથે, બેઠેબેઠો ઉપાડી લેવામાં આવ્યો હતો… લેકિન બાત યહાં પર ખત્મ નહીં હોતી હૈ, બીડુ… ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એટીમોલોજીકલ અડામાં શબ્દજ્ઞાનનો ધૂણો ધખાવીને બેઠેલા ખણખોદ પ્રેમી શબ્દસાધુઓ કહે છે કે મિડલ ઈંગ્લીશ અને ઓલ્ડ ફેંચનો ડિવોર્સ શબ્દ મૂળ તો લેટિન ભાષાના divortium શબ્દનો શુક્રગુજાર છે. અને આ divortium શબ્દનાં મૂળમાં પણ divertere શબ્દનું અડાબીડ અસ્તિત્વ ઝગારા મારી રહ્યું છે. આ divertere શબ્દને મગજની અંદર અઠ્ઠાવન સેકન્ડ સુધી સાદા પાણીમાં બોળી રાખવાથી તેમાંથી બે ઘટક છૂટા પડે છેઃ પ્રિફિક્સ ‘i’ તથા મૂળ ધાતુ ‘vertere’. આમાં પૂર્વગ ‘di’નો મતલબ થાય છે- aside અર્થાત્ ‘બાજુમાં’ અને verterનો મતલબ થાય છે to turn અર્થાત વળાંક લેવો… હવે આમાં હરણમાંથી ફરીથી પાછી સીતા બનાવવાની પ્રોસેસ કરીએ તો રિઝલ્ટ એ આવે કે divertere નો અર્થ થાય છે. બાજુમાં વળાંક લેવો..