ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદ અને પૂર જેવી પરિસ્થિતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાનો ‘જન સત્યાગ્રહ’ કાર્યક્રમ મોકૂફ રાખવાનો  નિર્ણય કર્યો છે. જાકે વિધાનસભાના પગથિયે સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના નેતાઓએ હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસે આજે વિધાનસભાના ઘેરાવની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં વરસાદી ત્રાટક તથા પૂરજન્ય સંકટને કારણે સંગઠનને કાર્યકર્તાઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કાર્યોમાં જાતરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.કોંગ્રેસે આજે સવારે વિધાનસભા કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજી હતી. બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના, રસ્તાઓની ખસ્તા હાલત, વધતી મોંઘવારી, બેરોજગારી અને નબળી કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈ સરકારને ભીંસમાં લેવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.પ્રદેશ કોંગ્રેસે તાજેતરમાં સુકાનીઓમાં ફેરફાર કર્યા બાદ સંગઠનને સક્રિય બનાવી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જનતા વચ્ચે રહીને પ્રશ્નો ઉઠાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે, ભાજપના જ મંત્રીઓ અને નેતાઓની મિલીભગતથી મનરેગા, નલ સે જલ જેવી યોજનાઓમાં કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. પરંતુ સરકાર તેમને છાવરવામાં વ્યસ્ત છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એવા સંજાગોમાં ‘જન સત્યાગ્રહ’ કાર્યક્રમ યોજવો યોગ્ય નહીં રહે. તેથી જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યોને કાર્યક્રમ મોકૂફ રાખવાની સૂચના આપવામાં આવી હતી.હાલ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર સમયસરનો નિર્ણય છે. વરસાદી પરિસ્થિત સ્થિર થયા બાદ જનતાના પ્રશ્નો પર સરકારને ઘેરવા માટે નવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.વિધાનસભાના ચોમાસા સત્રના પ્રારંભે જ કોંગ્રેસે પોતાના ‘જન સત્યાગ્રહ’ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક નેતા ડો. તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં વિધાનસભા સંકુલ ખાતે મળી હતી. આ બેઠકમાં નક્કી કરાયું કે આવતા દિવસોમાં કોંગ્રેસ વિધાનસભા ગૃહની અંદર અને બહાર બંને જગ્યાએ પ્રજાના પ્રશ્નોને આક્રમકતાથી ઊઠાવશે.