ભારતના કોઈપણ પડોશી દેશોમાં અરાજકતા ઉભી થાય છે ત્યારે ભારતની એક નમકદ્રોહી વર્ગની કતારમાં ઝણેણાટી વ્યાપી જાય છે. એમના કરોડ રૂંવાડા ખુશીથી ઉભા થઇ જાય છે. હજારો દેવી દેવતાઓની બાધા બાદ દસબાર વર્ષે પારણું બંધાવાના યોગ જાગે છે. દેશમાં અંધાધુંધી ફેલાવી મુકવાનો એમનો વર્ષો જુનો ખૂનમાં સળવળતો નપુંસક વારસાગત મનસૂબો પાર પડતો દેખાય છે. છેલ્લા થોડા વર્ષોથી દેશને અસ્થિર કરવાનો એક પ્લોટ સતત આકાર લઇ રહ્યો છે, આકાર બદલી રહ્યો છે. શ્રીલંકાના પતન વખતે, પાકિસ્તાનના તખ્તાપલટ સમયે, બાંગ્લાદેશના આંતરિક બળવા અને તખ્તાપલટ વખતે અને હવે નેપાળના યુવાનોના આક્રોશ અને સત્તાપલટ જેવા દરેક સમયે આ લોકોને પારણું બંધાવાનો યોગ દેખાવા લાગે છે, હરખની હેલી ઉભરાઈ આવે છે કે આ વખતે તો ભારત દેશનો યુવાન પણ જાગી જ જશે અને દેશની મૌજૂદા સત્તાને ઉખાડે ફેંકશે અને અમને સત્તા પર સ્થાપિત કરી દેશે. પણ દર વખતેની જેમ એમની આશાઓ વાંઝણી જ મરી જાય છે. જે ઝડપે એ ઉતેજીત થાય છે એ જ ઝડપે એમનું સ્ખલન પણ થઇ જાય છે. દેશનો યુવા જાગેલો જ છે એ આ દોગલાઓને સમજાતું નથી, તમે જે કરવા માંગો છો એને ક્રાંતિ નહિ અંધાધુંધી કહેવાય છે.
આ બધા પડોશી દેશોમાં અરાજકતા કેમ આવી ? પ્રજાએ બળવો કરીને સત્તાધારીઓને કેમ ઉતારી મુક્યા ? એ કારણોનો અભ્યાસ કર્યા વિના ભારતનો યુવા પણ બળવો કરી દે એવી બુઠ્ઠી અપેક્ષા રાખતો નેતા કે પક્ષ એ બાબતની સાબિતી છે કે તેઓ પોતે સ્વબળે કે સ્વકર્મે સત્તા પ્રાપ્ત કરી શકે તેમ નથી. કિસાન આંદોલન, શાહીનબાગ જેવા કેટલાય આયોજિત પ્રયત્નો ભારતમાં પણ કરવામાં આવ્યા હતા. પણ આ અબુધો ભૂલે છે કે ભારતમાં એક એવી ચૂંટાયેલી સરકાર છે જેની વિચારધારાના મુળિયા ખુબ ઊંડા છે અને દેશનો બહુમત એ વિચારધારાનો સમર્થક છે. પ્રજા વચ્ચે જઈને ખોટા નેરેટિવ દ્વારા આ સરકાર સામે અસંતોષ ઉભો કરવો શક્ય નથી. ભ્રષ્ટાચારનો પર્યાય ગણાતી અને એક સમયે જેની આખી શીર્ષસ્થ કેડર જેલમાં હતી એ પક્ષનો નેતા પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતના સત્તાપક્ષને નેપાળના કિસ્સામાંથી બોધપાઠ લેવાનું જ્ઞાન પીરસે છે, સમાંતરે નરેન્દ્ર મોદીનું નામ લઈને નેપાળનો યુવા સ્પષ્ટ કહે છે કે નેપાળમાં ભારત જેવો સત્તાધારી પક્ષ હોવો જોઈએ.
બીજું કે શું આ બધા દેશોમાં સત્તાપલટા બાદ બધું બરાબર થઇ ગયું છે ? જવાબ છે… ના. ભારતના લગભગ બધા પડોશી દેશોને અસ્થિર કરી નાખવામાં આવ્યા છે. આજે પણ એ બધા દેશો ત્યાં જ છે, જ્યાં અરાજકતા પહેલા હતા. એનો મતલબ એ છે કે જે તે દેશોને અસ્થિર કરી નાખવાનો ઉદ્દેશ અલગ જ હતો.
તમારા હિસાબે આખી દુનિયામાં ભારતમાં જ કાઈપણ ઠીક નથી ચાલી રહ્યું અને તમે આવીને તેને ઠીક કરી દેશો. પણ ભૂતકાળ નામની એક દુનિયા હોય છે, જે તમારા પક્ષોની અત્યંત ખરાબ છે. જે ચૂંટણીપંચને સવાર-સાંજ ભાંડતા હતા એ તમારા નેતા અને તેની પત્નીના જ બે ચૂંટણી કાર્ડ નીકળી આવે છે. તમારી મૌજૂદા કોઈપણ હરકત શંકાના દાયરાની બહાર નથી. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પર આરોપ મૂકીને ભાગી જવાના તમારા ભદ્દા ખેલને જનતા અને સિસ્ટમ સમજી ગઈ છે. હવે ભાગી જવાની જગ્યા ખુબ સાંકડી બનતી જાય છે. તમે દેશને ભાંડવાની એક પણ તક જતી નથી કરતા. એ માટે એ દુનિયાના કોઈપણ દેશના કોઈપણ નેતાના બયાન, કોઈપણ કક્ષાના છાપા કે ટીવી ડીબેટના નિવેદન કે કોઈપણ સંસ્થાના અહેવાલ ઉઠાવીને અભ્યાસ કર્યા વિના જાહેરમાં ફટકારતા રહે છે. પોણીયા નેતા દ્વારા ફેંકાયેલી આવી સરાસર જૂઠી ખબરને પત્રકારોની એક જમાત હવામાંથી જ ઉંચકી લે છે, આ એ પત્રકારો છે જે ટુકડે ગેંગ અને ૨૦૨૦ના દિલ્હી દંગાના સુત્રધારોના જામીન નકારતા વિધવા વિલાપ કરી રહ્યા છે. કોઈને કોઈ કૌભાંડો કે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલવાસ ભોગવી આવેલા કે જમાનત પર રહેલા નેતાઓની એક આખી ગેંગ નૈતિકતા પર અને બંધારણ ખતરામાં હોવાના ભાષણો ઠોકી રહી છે. મીડિયાનો એક વર્ગ એમને સતત લાઈમલાઈટમાં રાખવા મથી રહ્યો છે. પોતાના દ્વારા કોઈ હકીકત ઉજાગર કરવાની બાબતને (જે હકીકતમાં હકીકત નથી હોતી) એ બોમ્બ ફોડવા જેવા ઘાતક અલંકાર સાથે સરખાવે છે. એમના કહેવા પ્રમાણે દેશમાં જો આટલી અનિશ્ચિતતાઓ ચાલી રહી હોવા છતાં અચાનક નેતા પ્રતિપક્ષ ગાયબ થઇ જાય છે અને બીજા જ કોઈ દેશમાં દેખાય છે. એમની વિદેશોની મુલાકાતો હમેશા રહસ્યમયી બની રહે છે. દેશગૌરવની વાતમાં પણ જે પક્ષ કે નેતા દેશના મુખ્યપ્રવાહ સાથે સૂર પુરાવતો નથી એ દેશ વિશે સારું વિચારતો નથી એમ જાણવું. તખ્ત પર બેઠેલા પાદ્શાહને ખુશ કરવામાં ખુવાર થતા ચોથી કતારના દરબારી જેવા ટેકેદારો પાસેથી રાષ્ટ્રભાવના અપેક્ષિત નથી હોતી.
શાહઆલમ વખતે જેમ કહેવાતું કે ‘અઝ દેહલી તુ પાલમ’ (લાલ કિલ્લાથી પાલમ સુધી). આજે દેશના સૌથી જુના અને
મોટા પક્ષનું કદ પણ લગભગ તેટલું જ રહી ગયું છે. એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ મોટી જદ્દોજહેદ કરવી પડી રહી છે. ‘દેશમાં લોકતંત્ર ખતરામાં છે’ જેવો નેરેટિવ દ્રઢ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ એ લોકો કરી રહ્યા છે જેના ખુદના પક્ષમાં આંતરિક લોકશાહી જેવું કશું નથી. બધી ધારણાઓથી વિપરીત વિપક્ષોનો રાજકીય વનવાસ વધુને વધુ લંબાઈ રહ્યો છે. ઘણાની કુંડળીમાં જેલયોગ ઝગારા મારી રહ્યો છે. આની આ જ સ્થિતિ અને માનસિકતા રહી તો દેશના વિપક્ષનો પ્રજા સાથે સેતુ તૂટી જશે. સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર, સૌથી ઉંચો વિકાસ દર, ઉચ્ચતમ વિદેશી હુંડીયામણ, હાલની સૌથી લાંબી સ્થિર સરકાર અને સૌથી નબળો વિપક્ષ આજના ભારતની તવારીખ છે.
ક્વિક નોટ – મહાન માણસ પોતાની જાત પાસેથી અપેક્ષા રાખે છે, નિમ્ન માણસ બીજાઓ પાસેથી. – કોન્ફ્યુશિયસ production@infiniumpharmachem.com










































