દુધિયા દાણા અવસ્થા – વાવેતર બાદ ૭૫-૮૦ દિવસે
• પોંક અવસ્થા – વાવેતર બાદ ૯૦-૯૫ દિવસે
જીરુઃ- જીરૂ પિયત માટે ખુબ જ સંવેદનશીલ પાક છે. આ પાકને જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ. વધારે પિયતથી ચરમીનો રોગ ઝડપથી ફેલાય છે અને પાકને ખુબ જ નુકસાન કરે છે. ઘણી વખત પાક સંપૂર્ણ નાશ પામે છે તેથી જીરાના પાકની સફળતાનો આધાર પિયત વ્યવસ્થા ઉપર રહેલ છે. જીરાનો પાક વાવેતર બાદ યોગ્ય સમયે ત્રણથી ચાર પિયતથી સફળતાપૂર્વક લઈ શકાય છે. વાતાવરણમાં ખુબ જ ભેજ હોય અને વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ. વાવેતર બાદ જમીનના પ્રકાર અને ઢાળ મુજબ યોગ્ય માપના કયારા બનાવવા અને કયારા સમતલ કરવા અને પ્રથમ પિયત આપવું. ત્યારબાદ ચાર થી પાંચ દિવસ બાદ બીજુ પિયત આપવું. આમ બે પિયતથી પાકનો સંપૂર્ણ ઉગાવો થઈ જશે. ઉગાવા બાદ જરૂરિયાત મુજબ પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થાએ નીચે મુજબ પિયત આપવા. પિયત આપવાના સમયે ગાળો લંબાવવો અને ચોખ્ખું વાતાવરણ થયા બાદ પિયત આપવું.
• પાકના ઉગાવા બાદ – વાવેતર બાદ ૧પ-ર૦ દિવસે
• ડાળી અવસ્થાએ – વાવેતર બાદ ૩૦-૩પ દિવસે
• ફૂલ અવસ્થાએ – વાવેતર બાદ પ૦-૬૦ દિવસે
• દાણા ભરાવાની અવસ્થાએ – વાવેતર બાદ ૭૦-૭૫ દિવસે
ચણાઃ- ચણાનો પાક પિયત અને બિનપિયત એમ બન્ને પરિસ્થિતિમાં લઈ શકાય છે. પિયતની સગવડતા હોય ત્યાં વધુ ઉત્પાદન આપતી ચણાની જાત ગુ. ચણા-૧ નું વાવેતર કરી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. પાકના વાવેતર બાદ તુરત જ પિયત આપવું અને ઉગાવા બાદ મુખ્ય કટોકટીની વૃદ્ધિ અવસ્થાએ નીચે મુજબ ચાર પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.
• (૧) ડાળી અવસ્થાએ – વાવેતર બાદ રપ-૩૦ દિવસે
• (ર) ફૂલ અવસ્થાએ – વાવેતર બાદ ૪૦-૪૫ દિવસે
•(૩) પોપટો બેસવાની અવસ્થાએ – વાવેતર બાદ પ૦-૬૦ દિવસે
•(૪) દાણા ભરાવાની અવસ્થાએ – વાવેતર બાદ ૬૦-૭૦ દિવસે
જો પાણીની અછત હોય તો ઉગાવા બાદ ફકત બે પિયતથી પણ ચણાનો પાક થઈ શકાય છે. આવા સંજોગોમાં પ્રથમ પિયત વાવેતર બાદ ૪૦-૪૫ દિવસે (ફૂલ અવસ્થાએ) અને બીજુ પિયત વાવેતર બાદ પ૦-૬૦ દિવસે (પોપટો બેસવાની અવસ્થાએ) આપવું. ભાલ અને ઘેડ વિસ્તારમાં મોટેભાગે બિનપિયત તરીકે ચણાનું વાવેતર થાય છે. આ વિસ્તાર માટે ગુજરાત ચણા –ર જાતનું વાવેતર કરવું. જો મીઠા પાણીની સગવડ હોય તો આ બિનપિયત જાતની નીકપાળા પદ્ધતિથી બે પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. વધુ પિયતથી સુકારાનો રોગ લાગે છે અને ઉત્પાદન ઘટે છે.
તુવેરઃ તુવેર કઠોળ વર્ગનો ખુબ જ અગત્યનો પાક છે. તુવેરનું વાવેતર એકલા, આંતરપાક તરીકે તેમજ રીલે પાક તરીકે થાય છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી તુવેર રીલે પાક પદ્ધતિથી વાવેતર થાય છે. વાવેતર મુખ્યત્વે ઓગષ્ટ માસમાં મગફળીના ઊભા પાકમાં બે હાર વચ્ચે કરવામાં આવે છે. પાકની શરૂઆતની અવસ્થા દરમ્યાન ચોમાસુ ઋતુમાં પિયત આપવાની જરૂર રહેતી નથી. ચોમાસા બાદ મગફળી કાઢી લીધા પછી પાળા ચઢાવી પિયત આપવાનું આયોજન કરવું. તુવેરનો પાક મર્યાદિત પાણીથી ખુબ જ સારો થઈ શકે છે. આ પાકને ફકત ત્રણ પિયતની જરૂર રહે છે જે નીચે મુજબ આપવાઃ
• ફૂલ અવસ્થાએ – વાવેતર બાદ ૮૦-૯૦ દિવસે
• શિંગો બેસવાની અવસ્થાએ – વાવેતર બાદ ૧૦૦-૧૧૦ દિવસે
• દાણા ભરાવા તથા વિકાસ અવસ્થાએ – વાવેતર બાદ ૧૩૦-૧૪૦ દિવસે













































