પાંચમી સપ્ટેમ્બરના રોજ ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ અને ભારતરત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. દર્શનશાસ્ત્રના ચિંતક, વિવેચક અને અભ્યાસુ અધ્યાપક હોવાથી તેમનો વર્ગ અસરકારક અને પ્રભાવી હોવાથી વિદ્યાર્થીઓ ભણવામાં એટલા તલ્લીન થઈ જતા હતા કે વર્ગ છોડવો ગમે નહીં. જેની પાસે જ્ઞાન સાથે સમજ છે તેનો પ્રશિક્ષણ વર્ગ આનંદસભર હોય છે. ડો. રાધાકૃષ્ણન વિદ્યાર્થી પ્રિય અધ્યાપક હતા. તેમના વિદ્યાર્થીઓને પોતાના સંતાન સમજીને યોગ્ય સમજ, શિક્ષણનું મૂલ્ય અને રાષ્ટ્રસેવાના આધારસ્તંભને શિલ્પી તરીકે કંડારવાનું કાર્ય કરતા રહ્યા. વિદ્યાર્થીઓ તેમના એટલા પ્રભાવક બની ગયા કે તેમના લેક્ચરને રાહ જોતા હતા. પાંચમી સપ્ટેમ્બર આવી એટલે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવો છે ત્યારે રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને હસીને કહ્યું કે જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે જો આપને મારો જન્મદિવસ ઉજવવો જ હોય તો તે દિવસે આપ સ્વયં શિક્ષક બનીને પ્રશિક્ષણ કાર્ય કરો અને ભણાવો. એક દાર્શનિક અધ્યાપકના માનસમાંથી જન્મેલો વિચાર સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. એક વિચાર જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરે ત્યારે પરિવર્તનની પ્રક્રિયા મજબૂત બને છે.
સમાજમાં શિક્ષકોનું મૂલ્ય ઘટી રહ્યું છે તેના માટે મહદ અંશે શિક્ષકો પણ જવાબદાર છે. શિક્ષકો શિક્ષકના વ્યવસાયને માત્ર નોકરી સમજીને કાર્ય કરે છે. પગારદાર શિક્ષક અને વર્ગમાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરતો બાહોશ શિક્ષક બંનેમાં આસમાન જમીનનો ફરક છે. બાળકો તો આપણા અન્નદાતા છે. તેમના થકી આજે લાખોના પગારો પ્રાપ્ત થાય છે. ‘ટકોરે આયા અને ટકોરે ગયા’ તે આ પૃથ્વી ઉપરથી ગયા સમજવું. શિક્ષક પાસે તેના શૈક્ષણિક સાધનો, વિષયનું ઊંડું જ્ઞાન, બાળકની આંતરિક શક્તિઓને કેળવવાની ક્ષમતા, બાળકોમાં શ્રેષ્ઠ શિક્ષણ થકી શ્રેષ્ઠ નાગરિક નિર્માણ કરવાની કલા, બાળકોમાં નિયમિતતા, સમયપાલન, શિસ્ત, અનુશાસન જેવા આદર્શ ગુણો કેળવવાની ભાવના શિક્ષકમાં નિરંતર ચાલવી જોઈએ તો જ તે શાળાને બદલી શકે.
આજે તો ચોપડીઓ વાંચી જવી, અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવો, ફટાફટ પેપર ચેક કરી નાખવા અને બાળકોનું વર્ષ પૂર્ણ થાય એટલે પત્યું. દરરોજ
નિવૃત્તિ તારીખ જાતા મહાપુરુષોને ભારતરત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવા જોઈએ? વર્ગના રાજા બનીને બાળકોમાં હકારાત્મક ભાવ કેળવી તેને સક્ષમ નાગરિક બનાવવા માટે તમને વિશેષ જવાબદારી આપવામાં આવી છે એટલે તમને સમાજમાં ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. સમાજમાં પચાસ વર્ષ પૂર્વે ગામડાઓમાં કે શહેરમાં સારો અથવા ખરાબ પ્રસંગ હોય તો પહેલું આમંત્રણ ગુરુને આપવામાં આવતું હતું. મા ના સ્તર સુધી પહોંચેલા માસ્તર આ સમાજનું ઘરેણું છે. વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાના ભાવ કેળવો એટલે બાળક કેળવાય.
બાળકોને શિક્ષણ આપવાથી કદાચ ટકા સારા આવશે પરંતુ આપણે તો મૂલ્યવાન, કર્મશીલ અને પ્રામાણિક વિદ્યાર્થીઓ નિર્માણ કરવાના છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ૧૮મા અધ્યાયના શ્લોક ૧૮માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ, કર્મ અને કર્તા એ ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે. અસરકારક વર્ગ બનાવવા માટે આયોજનબદ્ધ શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ. સાંસ્કૃતિક અને રાષ્ટ્રસેવાની કેડી કંડારવી જોઈએ. શિક્ષકો અભ્યાસુ, વાચક અને વિચારશીલ હોવા જોઈએ. વર્ગમાં આવેલું બાળક આપણા માટે ખુબ મહત્વનું છે. તેને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ભગીરથ પ્રયાસ કરવો જોઈએ.
શિક્ષકે માતા પિતા બનીને બાળકને સ્વીકારવો જોઈએ. તેની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવી જોઈએ. આજે તો પ્રશિક્ષણ વર્ગમાં તેમજ તાલીમમાં કેટલાક શિક્ષકોને એમ પૂછવામાં આવે કે તમારા પાઠ્‌યપુસ્તકમાં કેટલા પાઠ છે અને તે પાઠના તમામ નામ કેટલાને આવડે છે? જવાબ સાંભળીને હૃદયને ઝાટકો વાગે છે. આપણો વ્યવસાય જ ભણાવવાનો હોય છે અને અનુક્રમણિકા સંપૂર્ણ યાદ ન હોય તો પછી વિષયવસ્તુની શું વાત કરવાની? ત્રણ દાયકાથી એક જ વિષયની પીપૂડી વગાડતા હોય અને યાદ ના રહે તો બાળકને આપણે ૮૦% લાવવા માટે કેવી રીતે કહી શકીએ? બોર્ડની પરીક્ષાનું પેપર બાળક આપે છે અને એ જ પેપર આપણું લેવામાં આવે તો કેવી હાલત થાય? નોકરી મળી ગયા પછી એટલી બધી આળસ ઘર કરી ગઈ હોય છે કે વિષયને વાંચવાનું માળીયે મૂકી દીધું હોય છે. બસ પગારની તારીખો જોનારા મહાપુરુષો ક્યારેય સફળ થવાના નથી. કદાચ સીસીટીવી કેમેરા કે સંચાલકો જોવે કે ના જોવે પરંતુ ઉપરવાળો બધું જ જુવે છે. ઘણા બધા સ્ટાફરૂમ તો જાણે લોકસભા અને વિધાનસભા બની જાય છે, જ્યાં શિક્ષણની ચર્ચા કરવાની જગ્યાએ રાજકારણની ચર્ચા થતી હોય છે! વર્ગમાં અસરકારક શિક્ષણ ન આપનારો કહે છે કે દેશના સાંસદો અને વિધાયકો બરોબર કામ કરતા નથી. ભ્રષ્ટાચારી, લોકો પાસેથી ટેક્સ મેળવી જલસા કરે છે. ખાટલે ખોડ છે સાહેબો! આપણે વર્ગમાં ચાણક્યની જેમ શિક્ષણ ના આપ્યું એટલે આવા બધાના નિર્માણ થયા. તેના માટે જવાબદાર તો આંપણે છીએ! સ્ટાફરૂમમાં તંદુરસ્ત શિક્ષણની ચર્ચા થવી જોઈએ. હું બાળક માટે શું કરી શકું તેવી ભાવના જન્મે એટલે સમજી લેવાનું કે તમે શ્રેષ્ઠ શિક્ષક છો.
ગાંધી વિદ્યાલય અસારવામાં મોટાભાગે પટણી, ઠાકોર, મુસલમાન અને અનુસૂચિત જાતિના ગરીબ બાળકો અભ્યાસ કરવા આવે છે. આ બાળકો અનિયમિત અને ભણવામાં કશું જ નહોતા. ધોરણ નવ અને દસ બંને વર્ગના ૫૦% બાળકોને કક્કો, બારાક્ષરી, એકા થી વીસા સુધી કડક વલણ દાખવી મારા સંપૂર્ણ સ્ટાફે જોરદાર મહેનત કરી અને વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન પ્રાપ્ત થયું છે. દિવાળી પછી તેમને એસએસસી બોર્ડમાં પાસ કઈ રીતે થવું તે શીખવવામાં આવશે જેથી તેમનું વર્ષ બગડે નહી. નિયમિતતા નિર્માણ કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓને કડક સજા કરીને પરિસ્થિતિ બદલવા માટે હું અને મારો સ્ટાફ સતત પ્રયાસ કરી રહ્યા છીએ. ક્યાં સુધી વાલીઓ રીક્ષા ચલાવશે અને શાકભાજી વેચશે. વિદ્યાર્થીઓમાં નૈતિક જુસ્સો અને તેમનામાં પડેલી આંતરિક શક્તિને જગાડવા પ્રયાસ ચાલુ છે. ધીમે ધીમે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. મેં નક્કી કર્યું છે પરિસ્થિતિ બદલવી છે. મને આટલો બધો પગાર મળતો હોય તો મારે કાર્ય કરવું જોઈએ. મારા સ્ટાફ મિત્રો મારી પડખે છે. હું તેમની સાથે છું. હું પોતે તેવા બાળકોને ભણાવવા જાઉં છું. શરૂઆત આપણાથી કરવી પડશે તો જ સાચો શિક્ષક દિવસ ખીલશે.
રાજ્યના શિક્ષક મિત્રોને શિક્ષક દિવસની શુભકામના. આપ તો સમાજના ઘડવૈયા છો, તમારી આંતરિક શક્તિને બાળકો સન્મુખ વહાવી દેજો. એક દિવસ જ્ઞાનનો મહાસાગર ઉભરાઈ જશે. બાળકો માટે કરેલી સેવા એ ચારધામની યાત્રાથી ઓછી નથી. પરિસ્થિતિને પરિવર્તનમાં ફેરવવાની નૈતિક તાકાત મા સરસ્વતીએ આપ સૌને આપી છે. કર્મને ધર્મ સમજી શ્રેષ્ઠ શિક્ષણ આપીએ તે જ દિપક છે. બાકી અંધારું છે. શિક્ષકોને ચરણ વંદના કરું છું.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨