માત્ર ૧૫ દિવસમાં જ ૨૫૦થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી અંદાજે ૫ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી
રાજ્યમાં આંખને આંજી દેતી ગેરકાયદેસર વ્હાઈટ એલઇડી લાઇટોના વધતા પ્રયોગને પગલે વાહન-વ્યવહાર વિભાગ સક્રિય બન્યું છે. સરકારના પરિપત્ર બાદ રાજકોટ આરટીઓએ વિશેષ ડ્રાઈવ હાથ ધરી ૧૫ દિવસમાં અનેક વાહનચાલકો સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આરટીઓ અધિકારીઓ સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે જા લોકો જાગૃત નહીં બને તો આગામી તબક્કે વાહનોના રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થશે.
રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ગત ૨૧ જાન્યુઆરીએ તમામ જિલ્લાના આરટીઓને ગેરઅધિકૃત રીતે લગાવવામાં આવતી વ્હાઈટ એલઇડી લાઈટો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વધતા અકસ્માતોમાં હાઈબીમ અને આંખને ચમકાવી દેતી લાઇટો જવાબદાર હોવાના મુદ્દાને ધ્યાનમાં રાખી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ આરટીઓ અધિકારી ઈન્દ્રજીત ટાંકે જણાવ્યું છે કે, પરિપત્ર મળ્યા બાદથી જ શહેર તેમજ હાઈવે પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર ૧૫ દિવસમાં જ ૨૫૦થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી અંદાજે ૫ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે.
આરટીઓ અધિકારી મુજબ કંપની દ્વારા ફિટ કરવામાં આવતી અધિકૃત એલઇડી લાઇટો કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા મંજૂર હોય છે. પરંતુ બજારમાં સસ્તામાં મળતી અને બહારથી મંગાવવામાં આવતી અનઅધિકૃત લાઇટો અત્યંત તેજ પ્રકાશ ફેંકે છે, જેના કારણે સામેથી આવતા વાહનચાલકોને ગંભીર તકલીફ થાય છે અને અકસ્માતની શક્યતા વધે છે. ખાસ કરીને બાઈક અને કારમાં મોડિફિકેશન માટે તથા બસ-ટ્રકમાં વધારાની લાઇટ તરીકે આવી ગેરકાયદેસર લાઇટો લગાવવામાં આવતી જાવા મળે છે.
આરટીઓ અધિકારી ઈન્દ્રજીત ટાંકે વધુમાં જણાવ્યું કે નિયમિત ટીમ ઉપરાંત વધારાની બે ખાસ ટીમો બનાવી રાત્રિના સમયે હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે. દિવસ દરમિયાન પણ શહેર વિસ્તારમાં જા કોઈ વાહનમાં પ્રતિબંધિત એલઇડી લાઇટ લગાવેલી જાવા મળે તો તરત જ રોકી દંડ કરવામાં આવે છે. તંત્રનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નથી, પરંતુ માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
તેમણે સ્પષ્ટતા કરી કે એલઇડી લાઇટ લગાવનારાના વાહનને ડિટેઇન કરવાની જાગવાઈ નથી, પરંતુ વાહનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી શકાય છે. હાલ પ્રથમ તબક્કે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જા છતાં લોકોમાં જાગૃતિ નહીં આવે તો આગામી સમયમાં રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્યવ્યાપી ચેકિંગ દરમિયાન ૨૨ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૩૦૯૪ વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પણ અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે.
આરટીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનમાંથી ગેરઅધિકૃત વ્હાઈટ એલઇડી લાઇટો તાત્કાલિક દૂર કરે અને માર્ગ સુરક્ષામાં સહયોગ આપે. નિયમોનું પાલન કરવાથી માત્ર દંડથી બચી શકાય તેવું નથી, પરંતુ પોતાની તથા અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય છે.










































