ભારતના ૧૪ વર્ષીય બેટ્સમેન, વૈભવ સૂર્યવંશીએ અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬ માં બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. બુલાવાયોમાં રમાયેલી મેચમાં, વૈભવે માત્ર ૬૭ બોલમાં ૭૨ રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે.
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા, વૈભવે ઇનિંગની શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો અને માત્ર ૩૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આમ, વૈભવ સૂર્યવંશીએ મેન્સ અંડર-૧૯ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર ખેલાડીનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેણે ૧૪ વર્ષ અને ૨૯૬ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી. અગાઉ, આ રેકોર્ડ અફઘાનિસ્તાનના શાહિદુલ્લાહ કમાલના નામે હતો, જેણે ૨૦૧૪માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૫ વર્ષ અને ૧૯ દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. વૈભવની આ સિદ્ધિથી હવે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ, જેમણે ૨૦૧૦ માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૫ વર્ષ અને ૯૨ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી, તે યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
આઇસીસી મેન્સ યુ ૧૯ વર્લ્ડ કપમાં ૫૦+ રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી
૧૪ વર્ષ ૨૯૬ દિવસ – વૈભવ સૂર્યવંશી (ઇન્ડિયા૧૯) વિરુદ્ધ મ્છદ્ગ૧૯, બુલાવાયો, ૨૦૨૬
૧૫ વર્ષ ૧૯ દિવસ – શાહિદુલ્લાહ કમાલ (એએફજી૧૯) વિરુદ્ધ ડબ્લ્યુઆઇ ૧૯, દુબઈ (આઇસીસીએ ૨), ૨૦૧૪
૧૫ વર્ષ ૯૨ દિવસ – બાબર આઝમ (પાકિસ્તાન ૧૯) વિરુદ્ધ ડબ્લ્યુઆઇ ૧૯, પામર્સ્ટન નોર્થ, ૨૦૧૦
૧૫ વર્ષ ૧૨૫ દિવસ – પરવેઝ મલિકઝાઈ (એએફજી ૧૯) વિરુદ્ધ ફિજી૧૯, કોક્સ બજાર, ૨૦૧૬
૧૫ વર્ષ ૧૩૨ દિવસ – શરદ વેસાવકર (એનઇપી ૧૯) વિરુદ્ધ ઇગ્લેન્ડ ૧૯, ચટ્ટોગ્રામ, ૨૦૦૪
વૈભવ સૂર્યવંશીએ આ મેચ સાથે બીજા મોટો રેકોર્ડ બનાવ્યો. યુવાવનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. વૈભવે ફક્ત ૨૦ યુવા વનડે મેચોમાં ૧૦૪૭ રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ ૨૮ મેચોમાં ૯૭૮ રન બનાવ્યા છે. વિજય ઝોલ ૩૬ મેચોમાં ૧૪૦૪ રન સાથે ભારતીય ખેલાડીઓની આ યાદીમાં ટોચ પર છે. એકંદરે આ રેકોર્ડ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોના નામે છે, જેમણે ૧૮૨૦ રન બનાવ્યા છે.












































