વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછલી ઉતારવા મુદ્દે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતાં વિસ્તારમાં તણાવનો માહોલ ઉભો થયો છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં સશસ્ત્ર ધીંગાણામાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
જાલેશ્વર દરિયાકાંઠે માછીમારોના બે પરિવારો વચ્ચે માછલી ઉતારવા મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. આબીદ જુમા ઢોકી અને અસગર નથુ લુસાણી પક્ષ વચ્ચે શરૂ થયેલો આ વિવાદ ઝડપથી ઉગ્ર બની ગયો હતો. બંને પક્ષના લોકો એકઠા થઈ જતા વાત વધુ વકરાઈ હતી.અથડામણ દરમિયાન લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરોનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અંદાજે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વેરાવળ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદોના આધારે કુલ ૧૩ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
અસગર નથુ લુસાણીની ફરિયાદ મુજબ આબીદ જુમા ઢોકી સહિત ૫ લોકો વિરુદ્ધ બીએનએસની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધાયો છે. જ્યારે આબીદ જુમા ઢોકીની ફરિયાદના આધારે સોયબ અબ્દુલા સહિત ૮ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને પગલે જાલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.