વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછલી ઉતારવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતા દરિયાકાંઠે તણાવનો માહોલ જોવા મળ્યો હતો. આબીદ ઢોકી અને અસગર લુસાણી પક્ષ વચ્ચે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક બની હતી. બંને પક્ષના લોકોએ લાકડીઓ, લોખંડના પાઈપ અને પથ્થરો વડે સામસામે હુમલો કરતા અંદાજે ૬ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ વેરાવળ પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે કુલ ૧૩ લોકો વિરુધ્ધ મ્દ્ગજી ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાલેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.









































