ગુજરાત વિધાનસભા પરિસરમાં આજે એક ભાવનાત્મક ક્ષણ સર્જાઈ જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીનું ચલચિત્ર અનાવરણ કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યપ્રધાન તરીકે સેવા આપનારા નેતાની યાદને ચિરંજીવ બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલચિત્ર અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યના મંત્રીઓ તથા ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્વ. વિજય રૂપાણીના પરિવારજનો પણ ઉપસ્થિતિ રહ્યા. પત્ની અંજલિબેન રૂપાણી તથા પુત્ર ઋષભ રૂપાણીની હાજરીએ વાતાવરણ વધુ ભાવનાત્મક બનાવ્યું હતુ. અનાવરણ સમયે અંજલિબહેનની આંખો ભીની થઈ જતાં સમગ્ર હોલમાં શાંત અને સંવેદનાથી ભરેલો માહોલ સર્જાયો હતો.વિધાનસભા પોડિયમ પર પહેલાથી જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓના ચલચિત્રો મૂકાયેલા છે. આજે આ હરોળમાં વિજય રૂપાણીનું ચલચિત્ર પણ ઉમેરાતા તેમની રાજકીય સફર અને રાજ્ય માટેનું યોગદાન હંમેશા યાદગાર બની રહેશે.વિજય રૂપાણીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ મ્યાનમારમાં થયો હતો અને બાદમાં તેમનું કુટુંબ રાજકોટ સ્થાયી થયું. તેઓ લાંબા સમય સુધી ભાજપ સાથે જાડાયેલા રહ્યા અને સંઘથી લઈને ભાજપ સંગઠન સુધી સક્રિય રહ્યા. તેઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં ગુજરાત ભાજપના પ્રમુખ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર કરી હતી.૨૦૧૬માં તેમણે આનંદીબેન પટેલના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હતો. ખાસ કરીને હેલ્થ, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેઓ સામાન્ય માણસ સુધી પહોંચતા નેતા ગણાતા હતા અને લોકોને સીધી રીતે મળતા, વાતચીત કરતા.વિજય રૂપાણી પોતાના સાદગીભર્યા સ્વભાવ માટે પણ યાદ રાખવામાં આવશે. એક વિડિઓ ખાસ કરીને લોકોના દિલમાં વસેલો છે, જેમાં તેઓ રેડ બીકનવાળી ગાડીનો ઉપયોગ ન કરવા અંગે વાત કરતા જાવા મળ્યા હતા. તેઓ માનતા હતા કે નેતાઓએ વી.આઈ.પી. સંસ્કૃતિથી દૂર રહીને સામાન્ય નાગરિક જેવી જ રીતે વર્તવું જાઈએ.૧૨ જૂન ૨૦૨૫ના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું અવસાન થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં મૂકી દીધું હતું. રાજકોટથી લઈને ગાંધીનગર સુધી શોકની લાગણી ફેલાઈ હતી. તેઓ માત્ર એક રાજકીય નેતા જ નહોતા, પરંતુ ગુજરાતની જનતા માટે એક સરળ, સહજ અને પ્રજાહિત માટે કાર્યરત ચહેરો હતા.આજે વિધાનસભા પરિસરમાં તેમના ચલચિત્રનું અનાવરણ થતાં ફરી એકવાર તેમની યાદ તાજી થઈ ગઈ. મુખ્યમંત્રી અને અધ્યક્ષ સહિત તમામ મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અંજલિબેન અને ઋષભ રૂપાણીની હાજરીએ આ પ્રસંગને વધારે ભાવનાત્મક બનાવ્યો.