વિજપડી ગામે સામૂહિક તહેવારને જીવંત રાખવાના ઉમદા હેતુથી સમગ્ર ગ્રામજનો દ્વારા હોલિકા દહનનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે ૫૦ મણ લાકડા અને ગાયના છાણાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી હોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિશાળ હોળીમાં કિશોરદાદા ત્રિવેદી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવા ધાન્યની આહુતિ આપવામાં આવી હતી અને સેવાભાવીઓના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. શુભ મુહૂર્તમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો, માતાઓ અને બહેનોએ હોલિકાને ધાણી, મમરા, ખજૂર, કાળા તલ અને શ્રીફળ જેવી વસ્તુઓથી વધાવી હતી તથા માતાજીની જય બોલાવી આનંદપૂર્વક પ્રદક્ષિણા કરી હતી.
આ અવસરે નોંધવામાં આવ્યું હતું કે હોળીની ઝાળ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ હોવાથી આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે. આ તહેવાર માત્ર પરંપરા નથી, પરંતુ સંબંધોને રીચાર્જ કરવાની, મનને સક્રિય કરવાની અને પરિવાર તથા મિત્રો સાથે મળીને માનસિક સ્વાસ્થ્ય અને ખુશી વધારવાની એક તક છે. આ સામૂહિક આયોજનને સફળ બનાવવા માટે માધવ સેવા ટ્રસ્ટના બાલાભાઈ જોગરાણા, ભાવેશભાઈ લાકુમોર, અશોકભાઈ કાતરીયા, વિજય ચાવડા તેમજ સરપંચ ભરતભાઈ ગીગૈયા, મોહનભાઈ, ગોઢડીયા પરિવાર, સ્થાનિક વેપારીઓ અને આણેપાના યુવા મિત્રોએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો હતો. લોકોએ આ સુંદર કામગીરીને બિરદાવી હતી અને ઉત્સાહભેર તહેવારની ઉજવણી સંપન્ન થઈ હતી.