કહેવાય છે કે ‘ઈશ્વર બધું જુએ છે’, પણ કળિયુગમાં તસ્કરોને હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી. વડોદરાના છાણી વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે સાબિત કરે છે કે હવે મંદિરો પણ સુરક્ષિત નથી. ત્રણ બુકાનીધારી તસ્કરોએ મહાકાળી માતા અને ભાથીજી મહારાજના મંદિરને નિશાન બનાવી માતાજીના આભૂષણો, તલવાર અને દાનપેટીની ચોરી કરી તરખાટ મચાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા અને છાણી ગામમાં રહેતા એક રહેવાશીના જણાવ્યા મુજબ, તેમના પિતા શાંતિલાલ પરમાર છેલ્લા ૩૦ વર્ષથી નિયમિતપણે ભાથીજી મંદિરમાં સેવા-પૂજા કરે છે. ૨૪ ફેબ્રુઆરીની વહેલી સવારે આશરે ૪ વાગ્યે તેઓ જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે જાયું તો મંદિરના તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર હતો.
તસ્કરોએ સૌથી પહેલા ભાથીજી મહારાજના મંદિરનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાં મુકેલી દાનપેટી તેઓ ઉઠાવી ગયા હતા, જેમાં આશરે ૧૦,૦૦૦ રૂપિયા જેટલી રોકડ રકમ હોવાનો અંદાજ છે.
બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ત્યાંથી તેઓએ માતાજીની ૨૦ વર્ષ જૂની લોખંડની તલવાર અને પિત્તળની ચરણ પાદુકાની ચોરી કરી હતી. જાકે, મહાકાળી મંદિરની દાનપેટી તોડવાનો તેમણે ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી ન હોવાથી તેમાં રહેલી રોકડ બચી ગઈ હતી.
મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને મંદિર પરિસરમાં પ્રવેશતા અને ચોરી કરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા. એક જ રાતમાં આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવો બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ છાણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.