વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના પ્રેમી અને મંગેતરને ઊંઘમાં દુપટ્ટાથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બની હતી, જેનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થયો. મકરપુરા પોલીસે યુવતીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુર જિલ્લાના રોઝકુવા ગામના ૨૩ વર્ષીય યુવક સચિન ગણપત રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુ રાઠવા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધને કારણે બંનેની સગાઈ મે ૨૦૨૫માં થઈ હતી અને આવતા માર્ચ (૨૦૨૬)માં લગ્ન નક્કી થયા હતા. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી સચિન પણ તેની સાથે લિવ-ઈનમાં રહેવા આવી ગયો હતો. બંને ઘણા સમયથી સાથે રહેતા હતા.જોકે, સચિનને રેખાના અન્ય કોઈ યુવક સાથે સંબંધ હોવાની શંકા હતી, જેને લઈને વારંવાર ઝઘડા થતા હતા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો, જેમાં રેખાએ લગ્ન કરવાની ના પાડી દીધી.
સચિને આ બાબત પોતાના પિતાને ફોન કરીને જણાવી હતી. ત્યારબાદ સચિન ઊંઘી ગયો, અને તે જ સમયે રેખાએ પોતાના દુપટ્ટાથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.હત્યા બાદ રેખાએ કંઈ બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું અને પાડોશીઓને કહ્યું કે સચિન ઊંઘમાંથી ઊઠતો નથી. પાડોશી દીપકકુમાર શાહે જણાવ્યું કે, “૨૯ તારીખે અમે સીએચસી સેન્ટરથી પરત આવ્યા ત્યારે યુવતીએ ગેટ ખોલીને કહ્યું કે સચિન જાગતો નથી. અમે ત્યાં પહોંચ્યા, તે રડી રહી હતી. અમે જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે ઊઠ્યો નહીં. અમને ખબર પડી કે તે મરી ગયો છે. અમે એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ લઈ ગયા.
” તેને વધુમાં કહ્યું કે, “અમને ક્યારેય ન લાગ્યું કે આ બંને આવું કરશે.”સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોસ્ટમોર્ટમમાં ગળામાં નિશાન મળી આવ્યા, જેના આધારે ગળાફાંસાનું કારણ સામે આવ્યું.સચિનના પિતા ગણપત રાઠવાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો એકનો એક દીકરો ઊંઘમાં કેવી રીતે મરી શકે? તેમણે રેખા પર શંકા વ્યક્ત કરી હતી.પોલીસે તપાસ હાથ ધરી તો રેખા ત્રણ દિવસ સુધી ગોળ ગોળ જવાબ આપતી રહી.અને આખરે તેણે હત્યા કરવાની કબૂલાત કરી લીધી હતી. મકરપુરા પોલીસે રેખા સામે હત્યાનો ગુનો નોંધી તેનીઅટકાયત કરી છે.










































