અમરેલી જિલ્લાના વડીયા મુકામે તાલુકા હોમગાર્ડ્‌ઝ કચેરીનું લોકાર્પણ રાજ્ય ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા તથા નિવૃત્ત થયેલા હોમગાર્ડ જવાનોનું સન્માન અને બહુમાન મંત્રીએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું કે હોમગાર્ડ સુરક્ષા અને સલામતી માટે રાતદિવસ કાર્યરત રહીને સમાજને નિષ્ઠાપૂર્વક સેવા આપે છે. વડીયા કચેરી હેઠળ ફરજ બજાવનારા ૨૭ જવાનો અને તેમના પરિવારોને શુભકામનાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતાએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. અંદાજિત રૂ. ૮ લાખના ખર્ચે રિનોવેટ થયેલી નવી કચેરી હોમગાર્ડ જવાનોને વહીવટી કામગીરી માટે વધુ સુવિધા આપશે. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ તથા તાલુકા વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.