અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકામાં વીજળીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. છેલ્લા દસ દિવસથી માવઠાના માહોલ વચ્ચે PGVCL દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ‘જ્યોતિ ગ્રામ’ યોજના અમલમાં આવી તે પહેલાં પણ આટલી વાર વીજળી ગુલ થતી ન હતી, તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. વડીયાના સદગુરુ નગરમાં બે દિવસ વીજળી ગુલ રહ્યા બાદ ૨૪ કલાકે વીજળી આવતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ કરી લોકોએ પોતાની વેદના ઠાલવી હતી. થોડા વરસાદમાં પણ તુરંત વીજળી ગુલ થવી, રસ્તા પર ખુલ્લા વાયરો પડ્‌યા હોવા છતાં PGVCLન્ના કર્મચારીઓ અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે PGVCLન્નો કથળતો વહીવટ સુધારવામાં આવે અને વીજ પ્રવાહને અલગ-અલગ ઝોનમાં વહેંચી દેવામાં આવે, જેથી જે ઝોનમાં ફોલ્ટ હોય ત્યાં જ વીજળી બંધ થાય. હવે જોવું રહ્યું કે PGVCL તંત્ર ક્યારે જાગે છે અને લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે.