અમરેલી LCB ટીમે મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, વડીયા વિસ્તારમાંથી ચોરીના મોટરસાયકલ સાથે જીતેન કાળુભાઇ વસુનીયા (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડવામાં આવ્યો છે. વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ આથી ઉકેલાયો છે. પૂછપરછ દરમિયાન જીતેન વસુનીયાએ કુંકાવાવ બસ સ્ટેન્ડ પાસેથી ગત ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ ચોરાયેલું હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ (કિં. રૂ. ૧૫,૦૦૦/-) ચોરી કર્યાનું કબૂલ્યું હતું. વધુમાં, તેણે ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ વડીયા તાલુકાના વાવડી રોડ ગામથી એક ટ્રેક્ટર-ટ્રોલી ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી. તે ટ્રેક્ટર ખીલોરી ગામ પાસે રોડ પર મૂકીને નાસી ગયો હતો. LCB ટીમે આરોપીને વધુ કાર્યવાહી માટે વડીયા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.