અમરેલી જિલ્લાના વડીયાની ભાગોળે આવેલા ઢૂંઢિયાપીપળીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સામાન્ય પરિવારના બાળકો અભ્યાસ કરે છે. બાળકો અભ્યાસ કરે તે શાળાના જર્જરિત બિલ્ડીંગના છ રૂમ સ્લેબ વાળા, મધ્યાન ભોજન યોજનાનું રસોડું અને બે સેનીટેશનને પાડવા માટેની ટીપીઓની દરખાસ્ત કરવામાં આવી હતી. તેને મદદનીશ ઈજનેરના અભિપ્રાયના આધારે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ઠરાવ કરીને બિલ્ડીંગને ડિમોલેશન કરવાની મંજૂરી ૨૭/૦૪/૨૦૨૩ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લેખિતમાં આપી હતી. આજે તેના બે વર્ષ વીતી ચુક્યા છે પરંતુ આ જર્જરિત બિલ્ડીંગ હજુ અડીખમ નિર્દોષ વિદ્યાર્થીઓના ભોગની રાહમાં ઉભું છે. ત્યારે આ બિલ્ડીંગને પાડીને સુવિધા સંપન્ન બિલ્ડીંગનું નિર્માણ કોણ અને ક્યારે કરાવશે તેવા પ્રશ્નો ગ્રામજનો પૂછી રહ્યા છે. આ જ પ્રાથમિક શાળામાં બાલમંદિર થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ ફક્ત ત્રણ જ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે ત્યારે ઘટતા શિક્ષકોની જગ્યા ભરવી પણ અનિવાર્ય બની છે.