વડિયા ગ્રામીણ તાલુકા મથક છે. હાલ મોટા ભાગની તાલુકાની કચેરીઓ વડિયામાં આવેલી છે તેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે વડિયામાં કર્મચારીઓને રહેવા માટે કોઈ સુવિધા ના હોવાથી સ્થાનિક કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે. વડિયામાં ધાર પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સરકારી ક્વાર્ટર અને મામલતદારના ક્વાર્ટર ભૂતકાળમાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુબ ઉપયોગી હતા અને સુવિધાઓ પૂર્ણ હતા જે હાલ જર્જરિત અને રહેવા લાયક ના હોવાથી છેલ્લા ચાર વર્ષથી તેમાં વસવાટ કરતા કર્મચારી પરિવારો પાસેથી ખાલી કરાવવામાં આવ્યા છે. તેના ચાર વર્ષથી પણ વધુ સમય વીતવા છતાં આ ઇમરતો હાલ જર્જરિત હાલતમાં ભૂત બંગલા સમાન અડીખમ ઉભા છે ત્યારે સ્થાનિક સરકારી ઓફિસોમાં ફરજ પર આવતા કર્મચારી અને મામલતદાર માટે કોઈ સરકારી વ્યવસ્થા ઉપલબ્ધ ના હોવાથી અને વિકાસ વિહોણા વિસ્તારના કારણે વડિયામાં ફરજ પર નિમણૂક પામતા સરકારી કર્મચારીઓને ગામમાં કોઈ મકાન ભાડે શોધવા ફરજ પડી રહી છે. હાલ વડિયામાં સ્લેબવાળા મકાનોની ઉણપ હોવાથી સ્થાનિક કર્મચારીઓ તાપમાં પરિવાર સાથે શેકાવા મજબુર બનતા વડિયા એ સરકારી નોકરી માટે સજાના કેન્દ્ર સમાન બની ચૂક્યું છે. રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના અભાવે કર્મચારીઓ સ્થાનિક વસવાટ કરવાને બદલે અપડાઉન કરવા મજબુર બને છે. મામલતદારનું ક્વાર્ટર પણ ત્યાં જ આવેલુ છે તે પણ અતિ જર્જરિત હોવાથી મામલતદાર પણ ગામમાં ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા છે. આ બંને ઇમારતો હાલ પણ ચાર વર્ષથી ભૂત બંગલા સમાન અડીખમ ઉભી છે. ત્યારે સરકારી કર્મચારીઓ કાયમી વડિયામાં વસવાટ કરી પોતાની નિષ્ઠા સાથે ફરજ બજાવે તે માટે આ સરકારી બહુમાળી ઇમારત અને મામલતદારના ક્વાર્ટર ફરી નવા બનાવવા જરૂરી બને છે. સરકારી અધિકારીઓ આ બાબતે રજૂઆત કરી શકે તેમ નથી ત્યારે રાજકિય નેતાઓ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની મુશ્કેલી સાંભળી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે.