વડિયામાં નાના ભૂલકાઓના પ્રારંભિક શિક્ષણ માટે મહત્વની ગણાતી ઢોળવા નાકા પાસેની આંગણવાડી નંબર-૯૧નું નિર્માણ કાર્ય છેલ્લા ત્રણ વર્ષથી વિવાદો અને વિલંબના ઘેરામાં છે. વર્ષ ૨૦૨૩-૨૪માં મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલી આ આંગણવાડીનું ખાતમુહૂર્ત તે સમયના નાયબ મુખ્ય દંડક અને હાલના મંત્રી કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, ત્રણ વર્ષ વીતવા છતાં અને છેલ્લા દોઢ વર્ષથી કામગીરી બંધ હોવાથી આ અધૂરું બાંધકામ અત્યારે પશુવાડા જેવી હાલતમાં ફેરવાઈ ગયું છે. આંગણવાડીના નવા બિલ્ડિંગમાં પશુઓના છાણ અને ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે બાંધકામની ગુણવત્તા પણ નબળી પડી રહી છે.
આ મામલે વડિયા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા સ્વાગતમાં રજૂઆત કરવામાં આવતા આઈસીડીએસ ICDS વિભાગ દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે, કામ પૂર્ણ કરવા માટે કોઈ એજન્સી તૈયાર નથી. બે પ્રયત્નો બાદ હવે ત્રીજી વાર એજન્સી શોધવાની પ્રક્રિયા ચાલુ છે. માત્ર ૩૦% જેટલું જ કામ બાકી હોવા છતાં તંત્રની અનિચ્છાને કારણે આ પ્રોજેક્ટ ગોટે ચડ્‌યો હોય તેમ જણાય છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જો હવે કામ શરૂ કરવામાં આવે તો તેના લોકાર્પણ પહેલા જ રિનોવેશન કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તંત્રની આ ઉદાસીનતાને કારણે ભૂલકાઓને હાલમાં નાછૂટકે ભાડાના મકાનમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે નબળું કામ હટાવી અને જરૂરી નાણાં ફાળવીને આ આંગણવાડીનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે નેતાઓ અને વહીવટી તંત્રની ઈચ્છાશક્તિના અભાવે અટકેલું આ કાર્ય ક્યારે પૂર્ણ થાય છે અને બાળકોને ક્યારે પોતાની આંગણવાડીની સુવિધા પ્રાપ્ત થાય છે.