વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી મોંઘીબા પ્રાથમિક શાળાના બિલ્ડીંગના નવનિર્માણનું કામ છેલ્લા એક વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગમાં ભ્રષ્ટાચારની બદબુ આવતા જાગૃત નાગરિકો અને પત્રકારોએ આ બાબતે તટસ્થ તપાસણી માંગણી સાથે મીડિયામાં આવાજ ઉઠાવ્યો હતો. આ બિલ્ડીંગમાં લાઈન લેવલ વગરના નબળા બાંધકામ અને નબળા મટીરીયલ બાબતે મીડિયામાં અનેક વાર મુદ્દો સામે આવ્યો ત્યારે શરૂઆતમાં અમરેલી જિલ્લાના એસએસએના જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરીશું, સ્થાનિકો અને પત્રકારોને સાથે રાખીને તપાસ કરાવીશું, થર્ડ પાર્ટી તપાસ કરાવીશું જેવા બણગા ફૂંક્યા હતા. ત્યારબાદ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ કોઈ રાજકીય નેતાઓ, કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગતથી બંધ બારણે તપાસ કરવા આવેલાં અધિકારીઓએ ન તો કોઈ
સ્થાનિક ને બોલાવ્યા કે ન તો કોઈ પત્રકારોને બોલાવ્યા અને સામાન્ય તપાસ કરીને જતા રહ્યા હતા. આ બાબતની જાણ સ્થાનિક પત્રકારોને થતા તેમને એસએસએના અધિકારીઓ સાથે વાતચીત કરતા તેમના જવાબોમાં પણ વિસંગતતા જોવા મળી હતી. કોઈ કહે કે આજે તપાસ આવી છે અને કોઈ કહે કે હજુ તપાસ કરવાની બાકી છે. ત્યારબાદ આ તમામ અધિકારીઓએ વડિયાના લોકો અને પત્રકારોના ફાન ઉપાડવાનું જ બંધ કરી દેતા હવે આ મામલો જાણે જિલ્લાની ઓફિસમાં બેસીને બંધ બારણે ચાલતો હોય તેમ આ બિલ્ડીંગ ભ્રષ્ટાચારની તપાસ, કાર્યવાહી અને લોકાર્પણની વચ્ચે ત્રણ ચાર માસથી અડીખમ ઉભું ધૂળ ખાય છે. આ વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રી કૌશિક વેકરીયા ભ્રષ્ટાચાર રોકવા બાબતે બિલ્ડીંગ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પર આગળ આવી સ્થાનિકો અને પત્રકારોને સાથે રાખીને તટસ્થ તપાસ કરાવે તેવી માગ થઇ રહી છે. હાલ આ શાળામાં અભ્યાસ કરતા બાળકો એક વર્ષ ઉપર થી અગવડતા ભોગવી ને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.









































