વડિયા તાલુકાના તરઘરી ગામે કૌટુંબિક કલેશમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પત્નીએ કરેલા કેસને કારણે મનમાં લાગી આવતા આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ અંગે સંજયભાઈ કેશુભાઈ ખુમાણ (ઉં.વ. ૩૫)એ જણાવ્યા મુજબ, તેમની પત્નીએ કોઈ કારણોસર તેમની વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો હતો. તેમણે પત્નીને ક્યારેય માર માર્યો નથી, તેમ છતાં તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો. પત્ની દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપો અને કેસને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતા. નિર્દોષ હોવા છતાં કેસ થવાના કારણે તેમને મનમાં ગંભીર માઠું લાગી આવ્યું હતું. આ આઘાતમાં તેમણે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘરકંકાસમાં ભરેલા આ પગલાને લીધે ગામમાં ચર્ચા જાગી છે. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એન. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.








































