ગુજરાત વિધાનસભાએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ વિધાનગૃહ માં સર્વાનુમતે પસાર કરાયો હતો. વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્તાવ રજુ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, પોલિટિકલ વિલ અને નેશનલ સિક્યુરિટીની પ્રાયોરીટી હોય તો દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું છે.
ભારતીય સેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં ૭મી મે, ૨૦૨૫ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનની સફળતાથી દેશના જન-જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર પાર પડ્યો છે.આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે ૧૪૦ કરોડ દેશવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વની જે પ્રશંસા કરી છે તેમાં ગુજરાત વિધાનસભા પણ પોતાનો સૂર પુરાવે છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને વડાપ્રધાનની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ છે.
ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેશના નાનામાં નાના માનવીનો ખ્યાલ રાખીને શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અને નવી શિક્ષણ નીતિથી તેમણે શિક્ષણનો કાયાકલ્પ કર્યો છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો માટે વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના શરૂ કરીને સ્વાસ્થ્ય સુરક્ષા આપી છે.
દેશની સુરક્ષા અને જન-જનની રક્ષાને પણ તેમણે એટલી જ અહેમિયત આપીને એ માટે પણ અનેક ઐતિહાસિક અને હિંમતપૂર્વકના પગલાં ભર્યા છે. ઓપરેશન સિંદૂર આવું જ એક ઐતિહાસિક કદમ છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આપણા સુરક્ષા દળોએ ઉરીના આતંકી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઈકની એવી જવાબી કાર્યવાહી કરી કે પાકિસ્તાનની આંખો પહોળી થઈ ગઈ. બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને એરફોર્સે આતંકી તાલીમ કેમ્પ જ નષ્ટ કરી નાખ્યા અને પુલવામાં હુમલાનો વળતો જવાબ આપી દીધો. પાકિસ્તાનને હજી તેની કળ વળી નથી અને ત્યાં જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી તો તેમની નાભિ પર જ સીધો પ્રહાર કર્યો છે.
આ ઓપરેશન સિંદૂરથી ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અતિઆધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને પરિચય મળી ગયો છે. એટલું જ નહિ, આપણી માતા-બહેનોના સિંદૂર ઉજાડનારા આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ આ ઓપરેશન સિંદૂર બન્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યુ હતું.
ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, આપણી સંસ્કૃતિમાં સિંદૂરના સેંથાનું-સુહાગનનું એક માન ભર્યુ સ્થાન છે. આતંકીઓએ પહેલગામ હુમલામાં માતાઓ-બહેનોના પતિની નિર્મમ હત્યા કરીને સિંદૂર ઉજાડવાનું દુઃસાહસ કર્યુ હતુ. ૨૨મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી જે રીતે ગોળી મારી તે કૃરતાની પરાકાષ્ઠા હતી. આપણા જ ભાઈઓની તેમની પત્નીઓની નજર સામે હત્યા કરી દેવામાં આવી. આતંકવાદીઓનો ઈરાદો ફક્ત નિર્દોષ લોકોને મારી નાખવાનો જ ન હતો, પરંતુ દેશને હિંસાની આગમાં ધકેલી દેવાનો અને અરાજકતા ફેલાવવાનો વિચારપૂર્વકનો પ્રયાસ હતો. પરંતુ, આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આ પ્રયાસને નાકામ બનાવવાનું મન બનાવી લીધું હતું. તેમણે સેનાની ક્ષમતા, હિંમત અને તાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સેનાને છૂટો દોર આપ્યો કે આ આતંકવાદી કૃત્ય કરનારાઓને જડ મૂળથી ઉખાડી ફેંકે. ક્યારેય, ક્યા ને કેવી રીતે નિર્ણય લેવા, બહેનોના સિંદૂર ઉજાડનારાઓને જીવનભર યાદ રહે તેવો સબક શિખવવા કઈ રીત અપનાવવી તે બધી સ્વતંત્રતા મોદી સાહેબે સેનાને આપી દીધી હતી. એમ તેમણે ઉમેર્યુ હતું.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આપણને સૌને સેનાની બહાદુરી પર ગર્વ થાય કે ૭મી મેના દિવસે નક્કી કરેલા સમયે સેનાએ કાર્યવાહી કરી અને પાકિસ્તાન અવાચક થઈ ગયુ કાંઈ જ ના કરી શક્્યું. બહાદુર જવાનોએ ૨૨ મિનિટમાં જ ૨૨ એપ્રિલનો બદલો નિર્ધારિત લક્ષ્ય સાથે લીધો. આપણી પરાક્રમી સેના, ભારતવાસીઓની રક્ષા માટે સદૈવ સજ્જ છે, તેનો પરચો ઓપરેશન સિંદૂરે આપ્યો છે.