લીલીયા મોટા આમ આદમી પાર્ટી દ્વારા લીલીયા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે ફાયર સેફટી સુવિધા આપવા મામલતદાર બળદેવભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી અને અરુણાબેન પંડ્‌યાની આગેવાનીમાં પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરીએ જઈને ફાયર સેફટીની સુવિધા મેળવવા માટે માંગણી પત્ર રજૂ કરેલ. આ પત્રમાં જણાવેલ કે લીલીયા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક, ખેતી, વાહનોમાં અવારનવાર આગજનીના બનાવો બને છે તેવા સમયે અમરેલી-સાવરકુંડલા સહિતના શહેરોમાંથી ફાયર સેફટીની સુવિધા મંગાવવી પડે છે, જે આવતા કલાકોનો સમય લાગી જાય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. આથી તાલુકાના લોકોને તાકીદે ફાયર સેફટીની સુવિધા આપવી જોઇએ. આ સાથે પાર્ટીના કાર્યકરોએ લીલીયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગટર સમસ્યા તેમજ ઉભરાતી ગટરને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ગટરની સફાઈ થાય તેવી રજૂઆત કરી હતી.