લીલીયા તાલુકાના અલગ અલગ ગામોમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સલડી ખાતે ૨૪ લાખ જેવી માતબર રકમના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલના કામનું ભૂમિપૂજન કરાયું હતું. તેવી જ રીતે બોડીયા ખાતે ૪૮ લાખ જેવી માતબર રકમથી પૂર સંરક્ષણ દિવાલનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ ખારા, પાંચ તલાવડા, નાના કણકોટના પાટીયા સુધીના સાત મીટર પહોળાઈ વાળા રોડ અને વચ્ચે આવતા નાળા પુલિયાના નવીનીકરણ માટે રૂપિયા ૧૬ કરોડ જેવી મતબર રકમના કામનું ભૂમિપૂજન કરાયું હતું. ક્રાંકચ નજીક શેત્રુંજી નદી પર ક્રાંકચથી કેરાળા જવા માટે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવા બનનાર બ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવેલ. આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા ક્રાંકચથી અવારનવાર કેરાળા, સાવરકુંડલા, વંડા જનાર વાહનચાલકોને મોટો ફાયદો થશે. આ સાથે ક્રાંકચ ગામના ખેડૂતોની હજારો વીઘા ખેતીની જમીન શેત્રુંજી નદીના સામે કાંઠે આવેલ હોય તે ચોમાસા દરમિયાન પાણીની પુષ્કળ આવકના લીધે ખેડૂતને ખેતીકામો માટે જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો બ્રિજ બન્યા બાદ સ્થાનિક ખેડૂતોને પણ મોટી રાહત મળશે. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, મહામંત્રી ગૌતમભાઈ વિંછીયા, જીગ્નેશ ઝીંઝુવાડીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ચતુરભાઈ કાકડીયા ભનુભાઈ ડાભી, કાનજીભાઈ નાકરાણી, રાશિભાઈ ડેર, બાબુભાઈ ધામત, અરૂણભાઇ પટેલ, હિતેશ પરમાર, ધીરુભાઈ ખુમાણ, હસમુખ પોલરા, કિશોરભાઈ ગરાણીયા, પરેશ પહાડા, ભીખાભાઈ ધારૈયા સહિતના તાલુકા પંચાયત સદસ્યો, વિવિધ સેલ મોર્ચાના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.







































