લીલીયા મોટાના હનુમાન પરા વિસ્તારમાં લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં હનુમાન પરાના રહીશો અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ વિજયભાઈ વિરાણી, અરુણાબેન પંડ્‌યા અને રાજુ ગરાણીયા સહિતના કાર્યકરોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોની મુખ્ય માંગણી છે કે સ્મશાનવાળી શેરીથી હનુમાન પરાને જોડતા બે કોઝવે તાત્કાલિક મંજૂર કરવામાં આવે. હાલમાં રસ્તાઓની હાલત એટલી બિસ્માર છે કે વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી  નથી. ડિલિવરી કે હાર્ટ એટેક જેવી ઇમરજન્સીમાં સમયસર સારવાર મળવી મુશ્કેલ બની છે. લોકોની પીડાને ધ્યાને રાખી તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત લીધી હતી. ટીડીઓએ રહીશોને આશ્વાસન આપ્યું હતું કે આગામી દિવસોમાં કોઝવેનું કામ મંજૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.