લીલીયાના કાક્રચ ગામે રહેતા એક ખેડૂતને ઉછીના રૂપિયા આપવાનું ભારે પડ્યુ હતુ. રૂ.૩૦૦૦ ઉછીના આપ્યા બાદ ઉઘરાણી કરતા ચાર શખ્સોએ એક સંપ થઈ ખેડૂત પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લીલીયા તાલુકાના ક્રાકચ ગામના રહેવાસી પરેશભાઇ કનુભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૦) એ ગારીયાધારના ભરતભાઇ ઓધાભાઇ ગોહિલને રૂ. ૩,૦૦૦/- ઉછીના આપ્યા હતા. ગત તા. ૦૭/૦૨ના રોજ પરેશભાઇએ આ રકમની ઉઘરાણી કરતા ભરતભાઇ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ તા. ૦૮/૦૨ના રોજ બપોરે દોઢ વાગ્યે કાળુભાઇ વૈષ્ણવના મંડપ પાસે પરેશભાઇને બોલાવી, ભરતભાઇ સહિત ચાર શખ્સોએ ગાળો આપી હતી. તકરાર દરમિયાન આરોપી ભરતભાઇએ પરેશભાઇના માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમને ટાંકા આવ્યા હતા. અન્ય ત્રણ આરોપીઓ ઓધાભાઇ, વિનુભાઇ અને રમેશભાઇ ત્રણેય રહે. ગારીયાધારવાળાએ સાથે મળી ‘હવે પૈસાની ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી.લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મધુભાઇએ આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































