લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ, ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૮મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું દીપપ્રાગટ્ય મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક દેવજીભાઈ સિંધવે કરેલ હતું. આ કેમ્પમાં આંખના વિવિધ રોગના દર્દીઓની તપાસ નિષ્ણાત ડોક્ટરે કરી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતી. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું આજુબાજુના ગામડામાં વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં ૧૪૯ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૩ દર્દીઓને અમરેલીના સુદર્શન નેત્રાલયમાં લાવીને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતી. ૨૬ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ પણ કરાયું હતું.