લાઠી તાલુકાના હિરાણા ગામમાંથી પસાર થતી કાળુભાર નદી પર આવેલા ચેકડેમના કાર્ય માટે રૂપિયા ૫૨ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની સક્રિય રજૂઆતને કારણે આ મહત્વપૂર્ણ કામને મંજૂરી મળતા ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને વિસ્તારના વિકાસની ગતિને વેગ મળ્યો છે. હિરાણા ગામ તેમજ આસપાસના વિસ્તારો માટે કાળુભાર નદી જીવનરેખા સમાન છે. છેલ્લા કેટલાક સમયથી ચેકડેમની જર્જરિત હાલતને કારણે તેની પાણી સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ હતી, જેના કારણે ખેતી, પશુપાલન અને ભૂગર્ભ જળસ્તર પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ ચેકડેમના રિપેરીંગ માટે લાંબા સમયથી માંગ ઉઠાવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સંબંધિત વિભાગ સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરી હતી. ધારાસભ્યના સતત પ્રયત્નોના પરિણામે રૂ. ૫૨ લાખની મંજૂરી મળતા હિરાણા ગામ સહિત આસપાસના અનેક ગામો માટે તે લાભદાયક સાબિત થશે. આ મંજૂરી બદલ ગ્રામજનોએ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો છે.